આપણું ગુજરાત

કરોડોના ખર્ચે એએમસી કરે છે વૃક્ષારોપણ, પણ વૃક્ષો બળી જાય છે

ગુજરાતમાં ગરમી રેકર્ડ બ્રેક તરફ આગળ વધતી જાય છે. અમદાવાદ,અમરેલી,ઇડર,કે કચ્છ ગમે તે લઈ લો ધોમ ધખે છે.આ પરિણામે સિઝનલ બીમારીઓનો પણ પ્રકોપ વધ્યો છે.સામાન્ય રીતે આપણે ‘વૃક્ષ થી જ આબાદી,વૃક્ષ વિના બરબાદી’ના સૂત્રો ભીત ચિત્રો પૂરતા જ મર્યાદિત રાખ્યા છે. પરિણામે વાતાવરણ બેલેન્સ કરવા જે વૃક્ષોની જરૂરિયાત છે તેના બદલે સિમેન્ટ કોંક્રીટના જંગલો ખડકાઇ ગયા. અને જ્યાં વૃક્ષોની આબાદી હતી ત્યાં વિકાસના નામે આડેધડ બાંધકામો થયા છે.પરિણામ એ આવ્યું કે પ્રદૂષણ અને ગરમીના વધતાં પ્રમાણે રાજ્યની દશા અને દિશા ફેરવી નાખી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા વાર્ષિક રીતે કરોડો રૂપિયા ખર્ચીને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે,પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે, માવજ્તના અભાવે 40 ટકા જેટલા વૃક્ષ બળી જાય છે.

અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષનો સણસણતો આરોપ છે કે, મહાપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 7 હજારથી વધુ વૃક્ષો કાપવાની મંજૂરી આપી. ચોમાસુ આવતા જ મહાનગર પાલિકા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે પરંતુ ત્યાર બાદ, જાળવણી કે માવજતની દરકાર સુદ્ધાં ન લેવાતા,40 ટકા જેટલા વૃક્ષો બળી જાય છે. બીજી તરફ તળાવો સુકાતા જાય છે અને બગીચાઓ ઊજડતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા ગ્રીન કવર અને ગ્રીન સિટી બનાવવા મથે છે. આ માટે બજેટમાં પણ મસમોટી રકમની જોગવાઈ થાય છે. પરંતુ ક્યાંક અમલવારી આંશિક દેખાય છે.

સિમેન્ટ કોંક્રીટના જંગલથી વધતું પ્રદૂષણ એ અમદાવાદનાં નાગરિકોના સ્વાસ્થ્ય માટે વધુ જોખમી બન્યું છે. વધતાં પ્રદૂષણે શ્વાસ-દમ અને ફેફસાના રોગોમાં વધારો કર્યો છે. અમદાવાદનો એયર ક્વોલિટી ઇંડેકસ પણ ખરાબ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં અમદાવાદ મહાનગર પાલિકા અને જવાબદાર વહીવટી તંત્રની નિષ્ફળતા ઉજાગર થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button