AMCના કૌભાંડો ખોલનાર દિવ્યાંગ RTI એક્ટિવિસ્ટની હત્યા, 4 આરોપી ઝડપાયા, 20 લાખમાં ડીલ!

અમદાવાદ: છેલ્લા એક દાયકાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનાર જાણીતા દિવ્યાંગ RTI કાર્યકર્તા રસિક પરમારની હત્યાને પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત માનવામાં આવી રહી હતી પરંતુ મૃતકના ભત્રીજાએ હત્યાની શંકા વ્યક્ત કરતા ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે સાંજે તેમનો મૃતદેહ થરાદ નજીકની એક કેનાલમાંથી મળી આવ્યો હતો. ત્યારે આ મામકે ૨૦ લાખની સોપારી આપીને હત્યા કરાવવામાં આવી હોવાનું ખુલ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ મૃતક રસિક પરમારની હત્યા કરાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બિલ્ડર લોબીએ તેમની હત્યા માટે ₹20 લાખની સોપારી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રસિક પરમારનો મૃતદેહ થરાદ પોલીસને નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો અને તેની વિગતો મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહના ગળાના ભાગે કાપાના નિશાન જોવા મળતા હત્યા હોવાની શંકા ઉપજી હતી. ત્યારબાદ મૃતકના ભત્રીજાએ હત્યાની શંકા વ્યક્ત કરીને ફરિયાદ નોંધાવી હતી. પોસ્ટમાર્ટમ રીપોર્ટમાં પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે શરુ કરેલી તપાસમાં એક આરોપીનું લોકેશન મળી આવતા તેને ઝડપી લઈને પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ કબુલ્યું હતું કે અ હત્યા તેણે સોપારી લઈને કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં બિલ્ડર લોબીની સંડોવણી સામે આવી છે. ઝૂંપડપટ્ટી કે વસાહતોના પુન:વિકાસ હેઠળ જેમને નવા મકાનો મળવાપાત્ર હતા, ત્યાં આરોપીઓ બોગસ ગ્રાહકો ઊભા કરીને આખી સ્કીમ ચલાવતા હતા, જેથી ખરેખર હકદાર લોકોને મકાન ન મળે.” આથી તેમની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું અને આરોપીઓએ મળીને ટુંપો દઈને બાદમાં કેનાલમાં તેમના મૃતદેહને ફેંકી દીધો હતો. પોલીસે કુલ ચાર આરોપીઓને ઝડપ્યા છે જયારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ અને ધમકીઓ
રસિક પરમાર (ઉ.વ. ૫૫), વાડજ વિસ્તારના રહેવાસી હતા અને વર્ષો પહેલા ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે તેમના બંને હાથ અને એક પગમાં લકવો થયો હોવા છતાં, તેઓ સામાજિક અને નાગરિક બાબતોમાં સક્રિય હતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના crusader તરીકે સ્થાનિક સ્તરે જાણીતા હતા. એફઆઈઆર (FIR) મુજબ, પરમારે PPP સ્કીમ હેઠળના ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ૧,૪૪૯ મકાનો અને ૧૩૦ દુકાનોનો સમાવેશ થતો હતો. તેમણે સ્થાનિક બિલ્ડરો દ્વારા કરાયેલા નકલી લાભાર્થી દસ્તાવેજો અને અન્ય અનિયમિતતાઓ અંગે AMC, ગાંધીનગર કલેક્ટર કચેરી, મુખ્યમંત્રી કાર્યાલય અને હાઈકોર્ટમાં વારંવાર ફરિયાદો દાખલ કરી હતી.
મૃતકના ભત્રીજાએ નોંધાવેલી FIRમાં જણાવાયું છે કે પરમારને કથિત ગેરરીતિઓમાં સામેલ રાજુ કરાટે અને કમલેશ સોલંકી નામના વ્યક્તિઓ તરફથી વારંવાર ધમકીઓ મળી હતી. તેમણે પરમારને તેમની ગેરરીતિઓ ઉજાગર ન કરવા માટે ચેતવણી આપી હતી. ધમકીઓ છતાં, પરમારે સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો અને તેઓ ધમકીઓથી ડરશે નહીં તેમ જાહેર કર્યું હતું.
હત્યા અને પોલીસની તપાસ
૧૨ ઓક્ટોબરના રોજ પરમારનું તેમના સંબંધીના નિવાસસ્થાન પાસેથી અજાણ્યા લોકો દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. મંગળવારે મોડી સાંજે થરાદની કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બુધવારે વહેલી સવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
થરાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. થરાદ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીએ જણાવ્યું કે, “અમે ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ સંબંધિત અગાઉની ધમકીઓ અને વિવાદો સહિત તમામ મુદ્દાઓથી તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક દૃષ્ટિએ, આ લક્ષિત હત્યા હોવાનું જણાય છે.” પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ધમકી આપનાર વ્યક્તિઓ અને અપહરણના પુરાવા એકત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો…AMC કૌભાંડોના RTI એક્ટિવિસ્ટનું અપહરણ બાદ મર્ડર: કેનાલમાંથી મૃતદેહ મળતા ચકચાર, ગળું દબાવ્યાના નિશાન