આપણું ગુજરાત

‘કલેકટરે ફાયર સેફટીનું લાયસન્સ આપ્યું છે પણ AMCને નથી માન્ય’ મીનીપ્લેક્સના સંચાલકોના AMC પર આરોપ

અમદાવાદ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ ની ઘટનાને લઈને ફાયર સેફટી સહિતની સુવિધાને લઈને ગુજરાતના નાના શહેરોથી લઈને અમદાવાદ જેવા મહાનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદના મીનીપ્લેક્સમાં પણ કાર્યવાહી બાદ અનેક મીનીપ્લેક્સને ફાયર સેફટીના બાબતે કરાયેલ સીલિંગને લઈને છેલ્લા 50 દિવસથી સિનેમાઘરો બંધ છે. જેને લઈને મીનીપ્લેક્સના સંચાલકો દ્વારા AMC પર આરોપ કર્યા હતા.

રાજકોટની દુર્ઘટના બાદ તંત્રની ઊંઘ જાગી હતી. જાહેર સ્થળો પર ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા તપાસની કામગીરી કરીને ઉણપ જણાય ત્યાં સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના અનેક મીનીપ્લેક્સને સીલ કરવામાં આવ્યા હતા. જો કે તેના સંચાલકો અને માલિકોએ તંત્રની કાર્યવાહીની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું હતું કે આ કામ માટે જે અધિકારી નિયુક્ત છે તેવા કલેકટરની મંજૂરી હોવા છતાં AMCના અધિકારીઓએ કલેકટરના આદેશની ઉપરવટ જઈને આ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :Gujarat માં સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ ,Porbandar બેટમાં ફેરવાયું, 13 થી વધુ લોકોનું રેસ્ક્યૂ

મીનીપ્લેક્સના માલિકો દ્વારા આરોપ કરાયો છે કે કલેકટર ઓફિસ દ્વારા સૂચિત કરેલ લાયસન્સ મેળવવા માટે પ્રોસિજર પ્રમાણે સંપૂર્ણ નિયમોનું પાલન કરનાર મિનિપ્લેક્સ/વિડિયો સિનેમાને પણ સીલ કરવામાં આવ્યા છે. આ સીલબંધ મિનિપ્લેક્સ/વિડિયો સિનેમા ન ખોલવા પાછળ તેમની વિચાર પ્રક્રિયા માટે પણ પૂછવામાં આવ્યું છે. AMC અને ગાંધીનગરમાં મંત્રાલયની કચેરીઓમાં વિવિધ સ્તરે અસંખ્ય માન્ય દસ્તાવેજો સબમિટ કર્યા છે. જો કે તેમ છતાં 50 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં આ બાબતે કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

મીનીપ્લેક્સના માલિકોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશમાં ફરીને અમદાવાદ અને ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવા માંગે છે પણ અધિકારીઓ તેને ઘોળી પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મીનીપ્લેક્સની સ્થાપના માટે 100 થી 150 કરોડનું રોકાણ કરવામાં આવે છે. તેને કોઇપણ પૂર્વ નોટિસ આપ્યા વિના જ સીલ મારી દેવામાં આવ્યું છે. જેના લીધે માત્ર અમને વિક્ષેપ જ નથી પાડ્યો પરંતુ અનેક કર્મચારીની નોકરીની સામે પ્રશ્નો ઊભા કર્યા છે અને સાથે જ નાણાકીય નુકસાન પણ થઈ રહ્યું છે.

ન્યુ ફ્રેન્ગ્લેડ સિનેમાના સ્થાપક કમલેશ પટેલે જણાવ્યું હતું કે જો AMCની નજરે કલેકટરનું પ્રમાણપત્ર માન્ય ન હોય તો ભવિષ્યમાં આવનારા રોકાણકારો માટે ભારે વિરોધ બની રહેશે. આ વાત એ સાબિત કરી આપે છે કે હાલમાં વ્યવસાય કરવાની સ્વાતંત્રતા માત્ર કાગળ પરની જ છે.’ જો કે આ મામલે હવે મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે અને તેમણે ટૂંક સમયમાં જ સીલ ખોલી આપવાની ખાતરી આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button