અંબાજી ઝાકમઝોળ: સુવર્ણ જડિત મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ભાદરવી પૂનમના મહામેળામાં પ્રથમ દિવસથી જ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી અંબાજી ધામને જય અંબે….. બોલમાડી…… અંબેના નાદથી સતત ગજવી રહ્યા છે, તેમાં સુવર્ણ જડિત મંદિર અને રોશનીના સમન્વય થકી અંબાજી ઝાકમઝોળ થઇ ગયું છે. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા મા અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માંના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે, માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો અંજાઇ જાય એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્ભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા મા અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે. ભક્તોના આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદૃશ્ય થઇ રહી છે અને એટલે જ સુવર્ણ જડિત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે જેને નિહાળી ભાવિક ભક્તો અદ્ભુત રોશનીમાં તરબોળ થઇ જઇને આનંદવિભોર થઇ જતા હોવાનું વહીવટી તંત્રે જણાવ્યું હતું. ઉ