એ હાલોઃ ક્યૂ આર કૉડથી માંડી મોબાઈલ ચાર્જિગની સુવિધા મળશે અંબાજીના મેળામાં

ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે.
અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે કે જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ. સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB), શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે ગત વર્ષે 4000 ચો.મી વિસ્તારમાં વૉટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વધારો કરીને આ વર્ષે 9000 ચો.મી વિસ્તારને સાંકળી આયોજન કરવામાં આવેલ છે. તેના કારણે વધુ યાત્રાળુઓ આરામ કરી શકશે. ચાર અલગ-અલગ સ્થળોએ બનનાર આ 4 વૉટરપ્રૂફ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હડાદ અને દાંતા, આ બન્ને માર્ગો પર શૌચાલય અને બાથરૂમની વ્યવથા કરવામાં આવી રહી છે, જેમાં યાત્રાળુઓની સુવિધા માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ હશે. શૌચાલયની સંખ્યા ગત વર્ષે 18 હતી, જેને વધારીને આ વર્ષે 29 કરવામાં આવી છે. આ તમામ શૌચાલયો કન્ટેનર ટાઇપ અદ્યતન સ્પેસિફિકેશન સાથેના હશે.
મેળા દરમ્યાન યાત્રાળુઓની સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચોરીના બનાવો ઘટાડવા માટે એક સમાન લાઇટિંગ (40-50 LUX), વધારાના CCTV કૅમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ પેગોડા સાથે વ્યાપક 2,00,000 ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવેલ છે.

અંબાજીના બંને માર્ગો પર આશ્રય સ્થાનોની સુવિધા, પીવાના પાણીની સુવિધાને સુવ્યવસ્થિત પેવર બ્લૉક ફ્લોરિંગ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. મેળામાં હોર્ડિંગ્સ, સાઇનેજ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક સમાન થીમ આધારિત ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 1500 ચો.મીનાં બદલે આ વર્ષે 4500 ચો.મી સુધી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવશે.
એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવશે, જેને સ્કૅન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે. યાત્રિકો માટે વિવિધ સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવનાર છે.
અંબાજી ખાતે ઉચ્ચકક્ષાની સ્વચ્છતાની કામગીરી, 750 વધુ સફાઈ કામદારો જોડાશે. હાલમાં ગબ્બર પર્વતની સફાઈની કામગીરી કરવા માટેની ખાસ ઝુંબેશ શરુ કરી દેવામાં આવેલ છે.
અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે મોબાઇલ ટૉયલેટ, બાથરૂમ તથા યૂરીનલની સુવિધા કરવામાં આવી રહી છે. ગાંધીનગરથી અંબાજી, જુદા-જુદા રૂટ પર ચોક્કસ અંતરે ટેમ્પરરી ટૉયલેટ બ્લૉક, બાથરૂમ, ગરમ પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે.
અંબાજી યાત્રાધામ ખાતે કુલ 195256 ચોરસ મીટર વિસ્તારમાં ઉચ્ચકક્ષાની સ્વચ્છતાની કામગીરી સ્વચ્છતા/સફાઈની કામગીરી કરવામાં આવી છે. માત્ર જ મંદિર નહી, પરંતુ મંદિરની આજુબાજુના વિસ્તાર, ગબ્બર, 51 શકિતપીઠ તથા યાત્રાળુઓ/શ્રદ્ધાળુઓનો વધારે ધસારો ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું વહીવટકર્તાઓએ જણાવ્યું હતું.
જોકે સ્વચ્છતા સહિતની સુવિધાઓ જળવાઈ રહે તે માટે શ્રદ્ધાળુઓએ પણ જવાબદાર નાગરિક તરીકે વર્તવું જોઈએ.