હવે આ રીતે તમે અંબાજીથી ગબ્બરની કરી શકશો પદયાત્રા
અમદાવાદઃ ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. જે લોકો અંબાજીના દર્શન કરે છે તેઓ ગબ્બર પર્વતે પણ દર્શન કરવા જાય છે, જે ગબ્બર તીર્થના નામે ઓળખાય છે. ભક્તો માટે હવે ખાસ સુવિધા વિકસાવવામાં આવી રહી છે. આ બન્ને વચ્ચે 3 કિમીનો લાંબો રસ્તો છે, જેના પર ખાસ એક કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે, જે તમને મંદિરના પ્રાંગણમાંથી સીધા ગબ્બર હીલના પહેલા પગથિયા સુધી લઈ જશે. ગબ્બર તીર્થ 51 શક્તિપીઠમાંની એક પીઠ છે, જ્યાં દર વર્ષે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવે છે.
હાલમાં લોકોએ અંબાજી મંદિરથી ગબ્બર સુધી વાહનમાં જવું પડે છે. અહીં 300 પગથિયાં છે, જે શ્રદ્ધાળુઓએ સાંકડા રસ્તેથી જવું પડે છે. ગબ્બરનો ગોખ મા અંબાનું મૂળ ઉત્પતિસ્થાન કહેવાય છે. આ સાથે આ સ્થળ પર ભગવાન શ્રીકૃષ્ણનું મુંડન થયું હોવાનું પણ માનવામાં આવે છે અને મહિસાસુર મર્દિનીનું નિવાસસ્થળ હોવાનું પણ કહેવાય છે. આ હીલની ટોચ પર એક દીવો સતત ઝળહળતો રહે છે અને તે રાત્રે અંબાજી મંદિર પરથી જોવા મળે છે. અહીં એક પીપળાના ઝાડ નીચે માતાજીના પગલા છે તેની પણ પૂજા કરવામાં આવે છે.
અહીં નિર્માણ પામી રહેલા વૉકવેમાં પીવાના પાણી, ટોયલેટ અને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા પણ કરવામાં આવશે. વૃક્ષો વાવી તેને ડેકોરેટિવ હરિયાળો બનાવવામાં આવશે. કોઈપણ જાતના વાહનો લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ વૉકવેનું કામ શરૂ થઈ ગયું છે અને તેને આડે આવતી એક સરકારી ઈમારત તોડી પાડવામા આવી છે અને બે ત્રણ ખાનગી ઈમારતો પણ ટૂંક સમયમાં તોડી પાડવામા આવશે, તેવી માહિતી એક અહેવાલ દ્વારા મળી હતી.
આ મંદિર અને ગબ્બર હીલ આસપાસ વિવિધ ટૂરિઝમ સાઈટ્સ ડેવલોપ કરવામાં આવી રહી છે. અરાવલી પાસે આવેલી સેન્ચ્યુઅરીને પણ ડેવલપ કરવામાં આવી રહી છે, જ્યાં ઘણા શેષ થઈ રહેલા પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે. આ સાથે નજીક આવેલો દાંતીવાડા ડેમ પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે.