
પાલનપુરઃ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લગભગ 1 કરોડ 25 લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. ખાસ આ પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને સહિતના તમામ માપદંડોને આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા તથા મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું પ્રતિબિંબ છે. ખાસ કરીને આ સફળતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદારોની મહેનતનું પરિણામ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડો અનુસર્યા હોય તેમને જ “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે હાલ અંબાજી મંદિરને મળ્યું છે, જેથી સાબિત થાય છે કે, અંબાજી મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાના તમામ પાસાઓનું ઝીણવટભર્યું ધ્યાન અપાય છે.

મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ અંગે જણાવ્યું હતું કે અંબાજી મંદિરની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં પણ મંદિર ટ્રસ્ટ આ દિશામાં સતત પ્રગતિ કરાશે.