આપણું ગુજરાત

અંબાજી મંદિર પ્રશાસને બદલ્યો નિયમ, હવે ચાચરચોકમાં મહિલાઓ-પુરૂષો સાથે ગરબા રમી શકશે

અંબાજીમાં મહિલાઓ અને પુરૂષો માટે અલગ ગરબાના આયોજન મુદ્દે વિવાદ થતા મંદિર પ્રશાસનને નિયમ બદલવાની ફરજ પડી છે. હવે માઇભક્તો તેમના પરિવાર સાથે ચાચરચોકમાં ગરબા રમી શકશે.

અગાઉ ટ્રસ્ટ દ્વારા જે નિયમ લેવાયો હતો તેમાં મહિલાઓ અને પુરૂષો માટે ગરબા રમવાની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં ચાચરચોકમાં ફક્ત મહિલાઓને જ ગરબા રમવાની મંજૂરી હતી જ્યારે પુરૂષો માટે શક્તિદ્વારથી પિત્તળ ગેટ સુધીના વિસ્તારમાં ગરબા રમવાની વ્યવસ્થા ઉભી થઇ હતી. મહિલાઓની ગરિમા જળવાઇ રહે તે માટે આ વર્ષે આ પ્રકારે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન હૃદયપીઠમાં મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે ઉમટે છે અને ગરબે ઘૂમે છે. જો કે આ નિયમને પગલે માઇભક્તો રોષે ભરાયા હતા અને નિયમ બદલવાની માગ કરવામાં આવી હતી. આથી હવે ચાચર ચોકમાં જ બે અલગ અલગ લાઇનો કરીને મહિલાઓ અને પુરૂષો સાથે ગરબા રમી શકશે.

જો કે ગરબા રમવા માટે કે જોવા માટે આવનારા તમામ વ્યક્તિઓએ ફરજિયાત આઇડી કાર્ડ બતાવવું પડશે. જ્યારે ચાચર ચોકમાં આધારકાર્ડ, લાયસન્સ કોપી જેવા ફોટો આઇડી કાર્ડથી જ પ્રવેશ આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button