આપણું ગુજરાત

અંબાજીમાં માઈભક્તોનું ઉમટ્યું ઘોડાપુરઃ રાજવી પરિવારે હવનમાં લીધો ભાગ

અંબાજી: આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ત્યારે બનાસકાંઠામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં આજે માઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. અંબાજી મંદિર પરિસરમાં ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું છે. આજે આઠમ અને નોમ બંનેની તીથી સાથે હોવાથી આજ વહેલી સવારથી મા અંબાના દર્શન કરવા માટે ભકતો અંબાજી આવી રહ્યાં હતા. આઠમ અને નોમના દિવસને લઈને મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આઠમને લઈને અંબાજી મંદિરમા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

માતાજીની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમા પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માઈભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. હાલમાં નવરાત્રિના પર્વને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. અંબાજી ખાતે નવરાત્રિને લઈને મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજ સવારની મંગળા આરતીમાં ભક્તિમય માહોલ છવાયો હતો. આજે આઠમને લઈ રાજવી પરિવાર પણ હવનમાં જોડાવાનો છે.

આજે આઠમ અને નવમીની સયુંકત તીથી હોય અંબાજી મંદિરમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. નવરાત્રીના પર્વને લઈને આસો સુદ બીજથી આઠમ સુધી સવારે 6:00 કલાકે માતાજીની બે-બે મંગળા આરતી કરવામાં આવી હતી. આસો સુદ બીજથી આઠમ સુધી બે મંગળા આરતી અંબાજી મંદિરમાં કરવામાં આવતી હોય છે. આજે આઠમની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઊઠ્યું છે, તો ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે.

યાત્રાધામ અંબાજીમાં આઠમના દિવસે હવન પણ યોજવામાં આવે છે, ત્યારે અંબાજી ખાતે આઠમ નિમિત્તે રાજવી પરિવાર પણ હવનમાં જોડાયા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ રાજવીનું સન્માન કરવા માટે બંગલે પહોંચ્યા હતા. જ્યાં દાંતા રાજવી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ટ્રસ્ટ દ્વારા મંદિરમાં હવન માટે ઢોલ શરણાઈ સાથે રાજવીને આમંત્રણ અપાયું હતું. બાજી મંદિરમાં આવેલી હવનશાળામાં પણ ભક્તો મોટી સંખ્યામાં હવન કરતાં જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button