
અમદાવાદઃ મજબૂરી હોય ત્યારે ખોટા રસ્તે વ્યક્તિ વળે અને પછી તે રસ્તો જ તેને માફક આવી જાય છે અને તે દોજખમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. આ સાથે સમાજ પણ જલદીથી સ્વીકારતો નથી, પણ ગુજરાતની આ મહિલાઓએ તમામ પડકારો ઝીલી જીવનમાં નવી શરૂઆત કરવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પના ભાગરૂપે અંબાજી મંદિર ખાતે અગરબત્તી ચડાવવામાં આવી હતી જે એ મહિલાઓએ બનાવી હતી જેઓ એક સમયે દેહવ્યાપારના કાદવમાં ફસાયેલી હતી. વાત છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનો એ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે. જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અપર્ણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે. આ ગામ વર્ષોથી દેહવ્યાપાર માટે બદનામ છે.

આ દૂષણને ડામવા સરકારી અને સામાજિક સ્તરે ઘણા પ્રયત્નો થયા, પરંતુ જોઈએ તેવી સફળતા ન મળી. પરંતુ થરાદ તાલુકા ખાતે થોડા સમય અગાઉ એક મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા. તેમણે આ બદીને નાબૂદ કરવા મહિલાઓના હાથમાં વૈકલ્પિક રોજગાર આપવાનું બીડું ઝડપ્યું. તેમણે મહિલાઓ સાથે વાત કરી અને તેમને દેહવ્યાપારના વ્યવસાયમાંથી બહાર નીકળવાની હિંમત આપી. આ સાથે તેમણે સખીમંડળ બનાવ્યું અને અગરબત્તી બનાવવાનું કામ શરૂ કરાવ્યું.
આજે વાડિયાની મહીલાઓ પણ અંબાજી મંદિર માં દર્શન કરી પ્રભાવિત થઈ હતી, સાથે સામુહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વ્યાપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું. અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દતક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા હોવાની માહિતી મળી છે.