આપણું ગુજરાત

અંબાજી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવસંપન્ન : ૧૩ લાખ ભક્તોએ પરિક્રમા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબેના ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન થતાં ગબ્બર તળેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠોના દર્શન કરવાનો લહાવો મળતાં રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઊમટી પડ્યા હતા. તા. ૧૨મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે ૧૬મી ફેબ્રુઆરી સુધીમાં ૧૩ લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય આ મહોત્સવ દરમિયાન પરિવહન, પરિક્રમા, ભોજન પ્રસાદ, વિસામો, પાણી, આરોગ્ય, વીજળી, કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિ:શુલ્ક વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિભાગોની કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેળાના પાંચ દિવસ દરમિયાન પરિક્રમા પથ અને સમગ્ર અંબાજીને સ્વચ્છ રાખવાનું કામ કરનાર સ્વચ્છતા કર્મચારીઓ અને સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી પુષ્પવર્ષા દ્વારા તેમનું અભિવાદન-સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટીમ બનાસકાંઠાના અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button