Ambaji માં 9 થી 11 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદ : ગુજરાતના અંબાજી(Ambaji)માતા મંદિર ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 9 ફેબ્રુઆરીથી શુભારંભ થશે. 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે. આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
આ વર્ષે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર વર્ષે માઈભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ગત વર્ષે આ મહોત્સવમાં આશરે 13 લાખ 15 હજાર શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠોની પરિક્રમા કરી હતી. ત્યારે આ વર્ષે આ સંખ્યા 15 લાખને વટાવવાની શક્યતા છે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના કાર્યક્રમો
આ વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધજા યાત્રા નીકળશે. આ ઉપરાંત, વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરૂઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદના ગરબા, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૉરેસ્ટ, પોલીસ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા યાત્રા જેવા કાર્યક્રમો યોજાશે.
પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચામર યાત્રા નીકળશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજો દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
શિખર પર રાત્રે 12 કલાકે આરતી જેવા કાર્યક્રમો
11 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, મશાલ યાત્રા, જ્યોત યાત્રા તથા ત્રિશૂળ યાત્રા યોજાશે. ત્રીજા દિવસે પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, મંત્રોત્સવ, ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગબ્બરના શિખર પર રાત્રે 12 કલાકે આરતી જેવા કાર્યક્રમો યોજાશે.
અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનારા આશરે 15 લાખ શ્રદ્ધાળુઓ માટે GPYVB તેમજ જિલ્લા વહીવટી તંત્રએ મોટાપાયે તૈયારીઓ કરી છે. મહોત્સવ દરમિયાન અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે, તે મુજબ સવારની આરતી 7.30થી 8.00 કલાકે, દર્શન 09.30થી 11.30 કલાકે થશે. 11.30થી 12.30 કલાકે દર્શન બંધ રહેશે. 12.30થી 16.30 કલાકે દર્શન ચાલુ રહેશે. 16.30થી 19.00 કલાકે દર્શન બંધ રહેશે. સંધ્યા આરતી 19.00થી 19.30 કલાકે યોજાશે. સંધ્યા દર્શન 19.00થી 21.00 કલાક દરમિયાન થઈ શકશે.
ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ યોજાશે
ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન 9થી 11 ફેબ્રુઆરીએ સાંજે 7.00થી રાત્રે 10.00 કલાક દરમિયાન અંબાજીમાં ખેડબ્રહ્મા રોડ પર રબારી સમાજ ધર્મશાળા સામે ડી. કે. ત્રિવેદી બંગલૉઝની સામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તથા ત્રણેય દિવસ સંધ્યા આરતી સાથે સાંજે 7.00થી 7.45 કલાક દરમિયાન ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ યોજાશે.
7 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા
મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 7 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં અંબિકા ભોજનાલય-અંબાજી, જીએમડીસી ગ્રાઉન્ડ-અંબાજી, માંગલ્ય વન જવાના માર્ગે, નવી કૉલેજ, દાંતા રોડ તથા આરટીઓ ચેકપોસ્ટ-આબુ હાઈવે ખાતે યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગબ્બર રોડ-વન ચેતના કેન્દ્ર ખાતે અધિકારીઓ અને સ્ટાફ માટે તથા ગબ્બર –ચુંદડીવાળા માતાજી ખાતે પોલીસ સ્ટાફ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા રહેશે.
પાર્કિંગની પણ વ્યવસ્થા
બહોળી સંખ્યામાં ઉમટી પડનાર શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમાં એસટી બસો દ્વારા આવનાર યાત્રાળુઓ માટે આરટીઓ સર્કલ રોડ, નવી કૉલેજ સામે સિવિલ હૉસ્પિટલ વિસ્તાર, જીએમડીસી ગ્રાઉન્ડ તથા શાંતિ વન ખાતે નિઃશુલ્ક હંગામી પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.