અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ AAP સાથે છેડો ફાડ્યો, ભાજપમાં જોડાવા મુદ્દે કહીં આ વાત
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો પડઘમ શરૂ થઈ ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. AAPને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, સુરતમાં પાર્ટીના અગ્રણી યુવા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનાં રાજીનામાં મોકલ્યાં છે. તેમના રાજીનામાથી AAPના સંગઠનમાં હડકંપ મચી ગયો છે.
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એવા ટાણે રાજીનામું આપ્યું છે જ્યારે પાર્ટી ખુબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ પક્ષના જે સ્ટારપ્રચારકની યાદી જાહેર કરી હતી તેમાં અલ્પેશ કથીરિયાનું નામનો પણ સમાવેશ કરાયો હતો.
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ઇસુદાન ગઢવીને રાજીમામાં મોકલ્યાં છે, જેમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ. પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીએ છીએ.
અત્રે ઉલ્લેખનિય છે કે અલ્પેશ કથીરિયા આપના સુરત શહેર કાર્યકારી પ્રમુખ હતા. આ સાથે જ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. જોકે તેમનો કારમો પરાજય થયો હતો. બંને નેતાઓએ લોકસભા ચૂંટણી પહેલા જ અચાનક રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ આ બંને પાટીદાર નેતાઓ વહેલા મોડા ભાજપમાં જોડાશે, જો કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોંતો. સામાજિક અન્ય જવાબદારીના કારણે તેમણે આપમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.