loksabha સંગ્રામ 2024આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabhaની ચૂંટણી સાથે Gujaratમાં આ પાંચ વિધાનસભાની બેઠકો પર પણ જામશે જંગ

અમદાવાદઃ દેશભરના તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો હાલમાં તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી પડ્યા છે. દરેક રાજ્યના અલગ સમીકરણ છે અને તમામ ચોકઠાઓને ધ્યાનમાં લઈ ઉમેદવારી આપવાની કવાયત પક્ષના આલા નેતાઓ કરી રહ્યા છે. બીજી બાજુ પોતાના નામની લોટરી નીકળશે કે નહીં તેની રાહમાં ટિકિટ ઈચ્છુકો છે. હવે જેમને પોતાના પક્ષ પાસેથી ટિકિટની કે અન્ય કોઈ પદની અપેક્ષા ન હોય તેવા નેતાઓ બીજા પક્ષમાં કૂદી રહ્યા છે. ગુજરાત (Gujarat)ની આ કૂદાકૂદની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે કારણ કે ગઈકાલે પક્ષના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya)એ કૉંગ્રેસ પક્ષનો દાયકા જૂનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં કુલ પાંચ વિધાનસભ્યએ ભાજપમાં પ્રવેશ કર્યો છે, જેમાં એક આમ આદમી પક્ષના, એક અપક્ષ અને ત્રણ કૉંગ્રેસ પક્ષના છે. આ પાંચેય નેતાએ પોતાના વિધાનસભા પદ પરથી રાજીનામું આપ્યું હોવાથી તેમની બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા (Loksabha)ની ચૂંટણીમાં આ પાંચેય બેઠક પરથી પેટાચૂંટણી થશે એટલે ગુજરાતના રાજકીય પક્ષોએ આ પાંચ બેઠકો પોતાને નામ કરવા પણ કમર કસવી પડે તેમ છે.

પાંચ બેઠકની વાત કરીએ તો વિસાવદરથી ભૂપત ભાયાણી (આપ), ખંભાતથી ચિરાગ પટેલ (કૉંગ્રેસ), વિજાપુરથી સી.જે. ચાવડા (કૉંગ્રેસ), પોરબંદરથી અર્જુન મોઢવાડિયા(કૉંગ્રેસ) અને વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિહ વાઘેલા ભાજપમાં જોડાતા આ બેઠકો ખાલી થઈ છે.

આ સાથે જો ભાજપ ભાવનગરથી કોળી ઉમેદવાર તરીકે હીરા સોલંકી પર પસંદગી ઉતારે તો તેમણે રાજુલા ખાતેની પોતાની વિધાનસભાની બેઠક છોડવી પડે અને સભ્યપદ પરથી રાજીનામું આપવું પડે. તો રાજુલાની બેઠક પણ ખાલી થાય અને આ રીતે છ બેઠક પર પેટાચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ ઊભી થાય.

વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક મળી હતી અને કૉંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી. 17 બેઠકમાંથી તેમના ત્રણ વિધાનસભ્યોએ ભાજપમાં પ્રવેશ કરતા હવે તેમની પાસે માત્ર 14 વિધાનસભ્યો રહ્યા છે. આથી આ છ બેઠક કૉંગ્રેસ માટે ખૂબ જ મહત્વની બની રહે તેમ છે અને લોકસભા 2024ના પરિણામો સાથે આ પેટાચૂંટણીના પરિણામો ગુજરાત રાજ્ય માટે એટલા જ રસાકસીવાળા બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button