આપણું ગુજરાત

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ ઘણા પ્રશ્નો ઊભા કરશે??

ગુજરાત સરકારે ગઈકાલે એક નિર્ણય લીધો અને એ ગાંધીના ગુજરાતમાં ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી માં લિકરની પરમીટ આપવાની મંજૂરી મળી ગઈ છે. મંત્રી શ્રી રાઘવજી પટેલ ના કહેવા મુજબ બહારથી આવતા વેપારીઓ ધંધાના વિકાસ અર્થે આવતા હોય ત્યારે તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે સરકારનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું છે ગુજરાતના અન્ય શહેરોમાં પણ છૂટછાટ આપવામાં આવશે કે કેમ ત્યારે તેમણે કહ્યું કે સરકારી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. ધારાસભ્ય રમેશ તિલાળાએ પણ એક ઉદ્યોગપતિ તરીકે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. પ્રશ્ન એ થાય છે કે માત્ર લિકરની છૂટ આપવાથી ધંધા રોજગાર વધશે કે કેમ?

બહારના રાજ્યો તથા દેશમાંથી લોકો આવી અને પોતાના ધંધાનો વિકાસ કરી શકે પરંતુ તેઓ ત્યારે જ આવી શકે જ્યારે તેઓ આલ્કોહોલ કન્ઝ્યુમ કરવાની પરમિશન મેળવી શકે તેવું ગુજરાત સરકારનું માનવું છે.એટલે એ સંદર્ભે ગિફ્ટ સિટીના કર્મચારીઓ ઓફિસરો અને બહારથી આવતા વેપારીઓને લિકર પરમિટ આપવાની મંજૂરી મળી ગઈ છે.ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં દારૂની છૂટ થતી જોવા મળી રહી છે.તેવું લોકો ચર્ચી રહ્યા છે.લોકોમાં તો એવી પણ ચર્ચા થઈ રહી છે કે દરેક શહેરમાં ગિફ્ટ સીટી ઉભું થાય તો ધંધાનો વિકાસ પણ થાય અને દારૂ પીવાની છૂટ પણ મળે. આમ પણ અત્યારે હેલ્થ પરમિટના નામે હજારો પરમીટ ગુજરાત રાજ્યમાં નીકળી રહી છે. એક આખો વર્ગ છે જે ઈચ્છી રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી દૂર થાય પરંતુ આ ગાંધીનું ગુજરાત છે. એટલે એ કદાચ શક્ય ન બને. પરંતુ આલ્કોહોલની પરમિટ માં થોડી છૂટછાટ આપવામાં આવે તો ઘણો ખરો વર્ગ સચવાઈ રહે તેમ છે.આમ પણ ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે. અને એથી વિશેષ વહેંચાઈ રહ્યો છે. તેવા સંજોગોમાં લોકો ઈચ્છી રહ્યા છે કે પરમિટમાં થોડી છૂટછાટ આપવામાં આવે.


ગુજરાતના લોકોને જ્યારે જ્યારે થોડી છૂટછાટ લેવાનું મન થાય છે ત્યારે ગુજરાતની બોર્ડર અને સંલગ્ન દિવ દમણ રાજસ્થાન લોકો પહોંચી જાય છે.ચાર દિવસ મોજ મજા કરી અને પરત ફરે છે. પરંતુ ત્યારે એક પ્રશ્ન નડે છે કે જો દિવથી પરત ફરતા દારૂ પીધેલા માલુમ પડે તો ગુજરાતની બોર્ડરમાં તેને પકડવામાં આવે છે. અને તેની પર ગુનો દાખલ કરવામાં આવે છે. આવા સંજોગોમાં ગિફ્ટ સિટીમાં કોઈ આલ્કોહોલ નું સેવન કરી અને બહાર નીકળશે અને પોલીસ તંત્ર તપાસ કરશે અને પીધેલ માલુમ પડશે તો તેની ઉપર ગુનો દાખલ થશે કે કેમ?

વળી આ મુદ્દા ઉપર કોઈ નામદાર કોર્ટમાં અરજી કરશે કે અમારે પણ વિદેશથી વેપારીઓ આવે છે અને અમારી સાથે વેપાર કરે છે.તેવા સંજોગોમાં તે શોપિંગ મોલ કે સેન્ટરમાં આલ્કોહોલની પરમિટ આપવામાં આવશે કે કેમ?
હાલ તો ગુજરાતના પ્યાસી લોકો સમાચાર સાંભળી અને થોડા આનંદમાં છે કે આ થોડી ઘણી છૂટછાટ છે તે આગામી સમયમાં કદાચ વધારે છૂટછાટમાં પરિણમે.


સોશિયલ મીડિયા પર હાલ મજાકનો મૂડ પણ સારો ચાલી રહ્યો છે. એક સમાચાર એવા પણ ચાલી રહ્યા છે કે ગિફ્ટ સિટીની આસપાસ જમીનના ભાવ ઉચકાઈ રહ્યા છે. જે લોકો દેશી દારૂનું સેવન કરે છે અને કોથળી જ ફાવે છે તેઓ એવી પણ મજાક કરી રહ્યા છે કે ગમે તેવો અંગ્રેજી દારૂ હોય પણ અમને કોથળીમાં પીરસવાનો રહેશે. ઘણા લોકો તો સવારમાં જ ગિફ્ટ સિટી પહોંચી ગયા હતા પરંતુ હજુ નોટિફિકેશન આવ્યું નથી એટલે ચા પી અને પરત ફર્યા હતા. એક કંકોત્રીમાં લખ્યું હતું કે ગાંધીનગર જાન જશે તો ઘણા લોકો બાઈટિંગ લઈ અને જાનની બસમાં બેસી ગયા કે ઘરધણીને થોડો ખર્ચો બચે. સોશિયલ મીડિયામાં આવી અવનવી મજાકો ચાલી રહી છે તો જુદા જુદા પર્યટક સ્થળ ગુજરાતમાં આવેલા છે જ્યાં વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં આવે છે તો ત્યાં પણ દારૂની પરમીટ આપવામાં આવે.આમ સરકારના આ નિર્ણયથી સોશિયલ મીડિયામાં તરેહ તરેહની પોસ્ટ ફરી રહી છે.


જોઈએ આવનારા દિવસોમાં ગિફ્ટ સિટી નો મુદ્દો કેવી ચકચાર જગાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button