Jamnagarની Medical Collegeમાં સિનિયર ડૉક્ટર્સ જૂનિયરોના પૈસે જયાફતો ઉડાવતા હોવાના આક્ષેપઃ તપાસનો આદેશ
જામનગરઃ મેડિકલ કૉલેજોમાં જૂનિયરો દ્વારા સિનિયરોની પજવણી થવાના કિસ્સા વારંવાર આવતા રહે છે. મેડિકલ કૉલેજો રેગિંગ માટે પણ બદનામ છે. ત્યારે વધું એક કિસ્સો જામનગરમાં બન્યો છે, જેમાં સિનિયર ડૉક્ટર્સએ જૂનિયર ડૉક્ટર્સ પાસેથી ફૂડ બિલ વસૂલ્યું હોવાનું બહાર આવ્યું છે. આ બિલ પણ નાનુંસુનું નથી, પરંતુ રૂ. 4.5 લાખ છે. દરેક જૂનિયર ડૉક્ટરને મળતા સ્ટાયપેન્ડના લગભગ અડધાથી વધારે નાણાં તેમણે આપવા માટે દબાણ થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે. આ વિગતો સોશિયલ મીડિયાની એક પૉસ્ટ પરથી ખુલી છે. ટ્વીટર પર અમુક સ્ક્રીન શૉટ્સ મૂકવામાં આવ્યા હતા. જેણે આ ચર્ચા જગાવી છે અને હવે તે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા સુધી પહોંચી છે.
એક અખબારી અહેવાલ પ્રમાણે ઉત્તરાયણ સમયે બનેલી આ ઘટનાની થ્રી ટાયર ઈન્ક્વાયરી બેસાડવામાં આવી છે. (ઑબ્સ્ટેટ્રીક્સ-ગાયનેકોલોજી) ડિપાર્ટમેન્ટમાં બનેલી આ ઘટનામાં હૉસ્પિટલના પદાધિકારીઓ પોતાનો પક્ષ રાખવા મથી રહ્યા છે. અહીંના ડીનના જણાવ્યા અનુસાર આ ડિપાર્ટમેન્ટનું બિલ બહુ વધારે છે અને તેને ઓછું કરવામાં આવે તેની ચર્ચા થઈ હતી. જોકે તેમણે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ છે તેને ગેરસમજણ જણાવી છે.
ડિપાર્ટમેન્ટના હેડના જણાવ્યા અનુસાર આ આક્ષેપો પાયાવિહોણા છે અને સંદેશા વ્યવહારના અભાવે થયા છે. જ્યારે ત્રણ સભ્યની કમિટિના જણાવ્યા અનુસાર દર વર્ષે રેસિડેન્ડ ડૉક્ટર્સની નવી બેચે ફૂડ બિલ આપવાનું હોય છે અને આ વર્ષોથી ચાલી આવે છે. જોકે આ પ્રકારની બિલિંગની સિસ્ટમ બે ડિપાર્ટમેન્ટ જ હતી, જેમાંથી એક ડિપાર્ટમેન્ટે બંધ કરી છે હવે માત્ર આ એક જ ડિપાર્ટમેન્ટ આ રીતે બિલ વસૂલે છે.
જોકે આ ઉપરાંત જૂનિયર ડૉક્ટર્સને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે અને તે માટે એક ખાસ કમિટિ બનાવી છે, જેમા કોઈપણ ડોક્ટર પોતાની ઓળખ છત્તી ન કરતા સમસ્યાઓ જણાવી શકશે, તેમ અહેવાલ જણાવે છે.