ચાઇનીઝ બીમારી સામે ગુજરાતમાં ઍલર્ટ: હૉસ્પિટલોમાં દવા-બેડ તૈયાર રાખવા આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ચીનમાં ફેલાઇ રહેલી રહસ્યમય બીમારીને પગલે ભારત સરકારે એડ્વાઇઝરી જાહેર કરી છે. એટલું જ નહીં ગુજરાત સહિતના રાજ્યોને ઍલર્ટ રહેવા સૂચના આપી છે. શિયાળાની ઋતુમાં જ ઇન્ફલૂએન્ઝા, માઇકોપ્લાઝમા અને ન્યૂમોનિયા જેવા રોગના દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
કોરોનાની જેમ આ બીમારી સ્વરૂપ ધારણ કરે તે અગાઉ કેન્દ્ર આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને સરકારી હૉસ્પિટલોમાં દવા, પીપીઈ કીટથી માંડીને બેડ તૈયાર રાખવા આદેશ કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એડ્વાઇઝરી જાહેર કરી સરકારી હૉસ્પિટલોને સતર્ક રહેવા સૂચના આપી છે. આ સાથે સરકારી હૉસ્પિટલોમાં ઓકિસજન પ્લાન્ટ કાર્યરત છે કે કેમ? તેની ચકાસણી કરવા જણાવાયું છે. આ ઉપરાંત વેન્ટિલેટરની સંખ્યા કેટલી છે? તે કાર્યરત છે કે પછી? આ બધીય વિગતો સાથે હૉસ્પિટલોમાં તૈયારી કરવા કહેવાયું છે.
કેન્દ્રની માર્ગદર્શિકાને પગલે અમદાવાદ સિવિલમાં આગોતરી તૈયારી કરવામાં આવી છે.
સિવિલ સુપરિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, બાળકોમાં શરદી-ખાંસી હોય, વધુ ટેમ્પરેચર સાથે તાવ આવે, શ્ર્વાસ લેવામાં મુશ્કેલી થાય, ગળામાં સોજો આવે, બ્રોન્કાઇટીસ કે એલર્જી સાથેનાં લક્ષણ જોવા મળે તો તાકીદે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જરૂરી ટેસ્ટ કરાવવા જોઇએ જેથી સમયસર તબીબી સારવાર મળી રહે. બાળ દર્દીઓમાં આવા લક્ષણ જોવા મળે તો હળવાશમાં લેવું નહીં. આવા કિસ્સામાં બાળકોને ઝડપથી ન્યૂમોનિયા થઇ જાય છે. ડરવાની જરૂર નથી પણ સતર્કતા રાખવી જરૂરી છે. આરોગ્ય વિભાગની સૂચના આધારે અમદાવાદ સિવિલમાં અલાયદા વોર્ડ સાથે ૩૦૦ બેડ સાથે તૈયારીનું આયોજન છે. ગુજરાત આરોગ્ય વિભાગ પણ સરકારી હૉસ્પિટલોમાં કેવી તૈયારી કરવામાં આવી છે તેની સમીક્ષા કરશે. કેન્દ્રની સૂચના બાદ ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલશે. હાલ તો આખાય ભારતમાં ચીનમાં બાળકોમાં વધતી જતી શ્ર્વાસલક્ષી રહસ્યમય બીમારીનો એકેય કેસ નથી તેમ છતાંય સતર્કતા દાખવવામાં આવી રહી છે. ઉ