આપણું ગુજરાત

ઑ’લા તરણેતર ને ‘રે અમે મેળે ગ્યાં ‘તા – થઈ જાઓ તૈયાર ,કાલથી અલક-મલકનો મેળો

ગુજરાતનાં મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

તરણેતરના મેળાનો ઇતિહાસ
લોકવાયકા મુજબ, દ્રૌપદી સ્વયંવર સમયે તરણેતર સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અર્જુને જલકુંડમાં માત્ર માછલીનું પ્રતિબિંબ જોઈને મત્સ્યવેધ કર્યો હતો અને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા. તેથી આ ભૂમિને પાંચાળ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ જલકુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ પણ છે. એક માન્યતા અનુસાર, ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે. પૌરાણિક કથા અનુસાર અહીં પ્રાચીનકાળથી તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે.

રંગબેરંગી, ભાતીગળ સંસ્કૃતિનો અદ્ભુત નજારો

સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે, ભરવાડ, આહિર, રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાકમાં તરણેતરના મેળામાં ભાગ લે છે. રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાતભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં ફરતા જોવા મળે છે. તો છોકરીઓ રંગબેરંગી ઘેરવાળી ચણિયાચોળીમાં જોવા મળે છે. ગરબા અને દાંડિયા રમતી યુવતીઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ અનેરો લ્હાવો છે.

આ પણ વાંચો :Teacher’s Day: ગુજરાતમાં શિક્ષકોની અછત વચ્ચે શિક્ષક દિવસની ઉજવણી

શ્રેષ્ઠ ઓલાદોના પશુઓનો મેળો પણ આકર્ષણનું કેન્દ્ર

ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગીર અને કાંકરેજ વર્ગની ગાય, જાફરાબાદી અને બન્ની જાતિની ભેંસ વગેરેનું પ્રદર્શન કરવામાં આવે છે અને સારી ઓલાદના પશુ માટે સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતા પશુને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પશુમેળાના આયોજનનો ઉદ્દેશ સારી ઓલાદના પશુઓના પાલનને પ્રોત્સાહન આપવાનો છે.

ગ્રામીણ ઓલિમ્પિક્સ અને પરંપરાગત સ્પર્ધાઓ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ખેલ પ્રતિભાઓને ઓળખીને તેને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ કાર્યરત છે અને આ માટે વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આમાં તરણેતરના મેળામાં યોજાતા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ મહત્વ છે. તેના અંતર્ગત મેળામાં વિવિધ વયજૂથના શાળાના બાળકો માટે 100 મીટર, 200 મીટર, 800 મીટર દોડ, લાંબી કૂદ, દોરડા કૂદ અને લંગડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. દોડ ઉપરાંત, યુવાનો માટે ગોળા ફેંક, લાંબી કૂદ, 4×100 મીટર રિલે દોડ, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, સ્ટ્રોંગેસ્ટ મૅન, સાતોડી (નારગોલ) અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું આયોજન કરવામાં આવશે. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

તરણેતરના મેળામાં પહેલી વાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, લોક કલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 24 વિવિધ પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં વેશભૂષા, છત્રીની સજાવટ, પરંપરાગત ભરતકામ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ ગાયન, વાંસળી, ભવાઈ, શહેરી અને ગ્રામીણ રાસ, હુડો રાસ, લોકનૃત્ય, શહેનાઈ અને સોલો ડાન્સ જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…