આપણું ગુજરાત

ગુજરાતમાં આ તારીખ સુધીમાં તમામ હૉસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, નહીંતર થશે 5 લાખનો દંડ

અમદાવાદઃ ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલા હૉસ્પિટલના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરવામાં હતી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, તા. ૧૨મી માર્ચ, ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હૉસ્પિટલ્સે આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટરની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે.

આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણ કરાવવું પડશે. અત્યાર સુધીમાં રાજ્યની ૫૫૩૪ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં ૨૩૨૮ સરકારી, ૩૦૧૫ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં ૪૦૧૮ એલોપેથી, ૧૮૫ આયુષ હોસ્પ્ટિલ્સ, ૪૩૭ હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હૉસ્પિટલનો છે. ૫૦ થી ઓછી પથારી ધરાવતી ૪૬૦૧ અને ૫૦ થી વધુ પથારી ધરાવતી ૩૨૨ હૉસ્પિટલ્સે અત્યાર સુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.

Also Read – PMJAYમાં ખોટા ઓપરેશન કરતા હો તો ચેતી જજો, સરકારે કર્યો આ બદલાવ

આ એક્ટ હેઠળ ક્લિનિક, કન્સલ્ટિંગ રૂમ, પોલીક્લિનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ, અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ, કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓને રૂ. ૧૦ હજાર થી ૫ લાખ સુધીનો દંડ થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button