જામ સાહેબનો ઐતિહાસિક નિર્ણય: વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર
જામનગર: જામનગરના રાજવી પરિવારે એક ઐતિહાસિક નિર્ણય લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર અજયસિંહજી જાડેજાને તેમના વારસદાર તરીકેની જાહેરાત કરી છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે શુક્રવારે તેમના વારસદારના નામની જાહેરાત કરી છે. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 વનડે રમી ચૂકેલા 53 વર્ષીય અજયસિંહજી જાડેજા, નવાનગરના (જામનગર) રાજવી પરિવારના વંશજ છે.
તેમના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે પાંડવોએ ૧૪ વર્ષ પોતાના અસ્તિત્વને છૂપાવી સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. આજે દશેરાના દિવસે મને પણ તેવોજ આનંદ થાય છે, કારણ કે મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે, જેણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે.”
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના સંબંધીઓમાં દિગ્ગજ ક્રિકેટરો રણજીતસિંહજી અને દુલીપસિંહજીનો સમાવેશ થાય છે, જેમના નામ પરથી રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રમવામાં આવે છે. શત્રુશલ્યસિંહજી પ્રથમ વર્ગના ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા.
હાલના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીને કોઈ સંતાન નથી આથી તેમણે પોતાના વારસદારની જાહેરાત કરવી પડી હતી. તેમણે અજયસિંહજી જાડેજાને પસંદ કર્યા છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. અજયસિંહ જાડેજા 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતો અને ઉપ-કપ્તાન પણ હતો