ગુજરાતની રાજનીતિમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, AIMIM આ બે લોકસભા સીટ પર ઉતારશે ઉમેદવાર

અમદાવાદઃ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમની પાર્ટી AIMIMએ ભાજપના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં જ તેમને લલકારવાનો નિર્ણય લીધો છે.
AIMIM એ સોમવારે જણાવ્યું હતું કે પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે. ભરૂચ બેઠક પર હાલમાં ભાજપનો કબજો છે. 35 વર્ષ પહેલા અહીં કૉંગ્રેસના અહમદ પટેલ સાંસદ હતા.
લોકસભા ચૂંટણી 2024 ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ગુજરાત એકમના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, ‘અમારા કેન્દ્રીય નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પક્ષના ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય લીધો છે.
ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભરૂચ અને ગાંધીનગર બંને વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં મુસ્લિમ વસ્તી છે. આ વસતીને ધ્યાનમાં રાખીને AIMIMએ અહીંથી પોતાના ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લીધો છે. જોકે, આ બંને બેઠકો પરથી કોને મેદાનમાં ઉતારવામાં આવશે, એની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભરૂચ લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, જેનો સામનો આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવા સાથે થશે. ગુજરાતની તમામ 26 સીટો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.