આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

AIનો આશાવાદ:અમેરિકામાં કૂતરાને જોઈને ગાડી ઉભી રહી, ઇશારો મળ્યો પછી આગળ વધી !

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોના બીજા દિવસે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઇન રિન્યુએબલ એનર્જી સેક્ટર (પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચર્ચામાં AIના રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ઉપયોગ અને પડકારો અંગે વારી એનર્જીસ કંપનીના સીઇઓ ડૉ. અમિત પૈથાનકરે તેમના અનુભવો અને આંતર્દૃષ્ટિ રજૂ કરી હતી. તેમણે અમેરિકામાં તેમને AI ટેક્નોલોજીના થયેલા એક રસપ્રદ અનુભવને સહભાગીઓ સાથે શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, “ હું અમેરિકા હતો અને મને વોશિન્ગટન ડીસી એરપોર્ટથી મેરિલેન્ડ જવાનું હતું. મેં ટેસ્લા બુક કરી અને મને ખયાલ આવ્યો કે તેમાં ડ્રાઇવર ગાડી ચલાવતો ન હતો.તે ઓટોપાયલટ પર હતી. મારા મગજના એન્ટેના ઉંચા થઇ ગયા હતા. ફ્રીવે પર ઓવરટેક કરવામાં ગાડી થોડી હલબલી ગઇ હતી. મેં ડ્રાઇવરને પૂછ્યું કે તમને ખાતરી છે ને ? તો ડ્રાઇવરે કહ્યું કે હા મને ટેક્નોલોજી પર પૂરો ભરોસો છે. પછી ગાડી પહોળા રસ્તાઓમાંથી ગલીઓમાં જઇ રહી હતી અને એક જગ્યાએ રસ્તા પર એક વ્યક્તિ કૂતરા સાથે હતો અને તે નજીક આવ્યો. પ્રશ્ન એ છે કે AI શું કરશે. ગાડી ત્યાં ઉભી રહી ગઇ. પણ તે વ્યક્તિ આગળ ન વધ્યો અને અમને હાથથી ઇશારો કર્યો અને ગાડી આગળ ચાલી. ”

આ ઉદાહરણથી તેમણે AIનો આશાવાદ વ્યક્ત કર્યો હતો જેમાં નિયંત્રણ AIને આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આ AIને ચાવી આપવાની વાત છે, જે હજુ સુધી આ ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવી નથી અને કદાચ અત્યારે આપી પણ ન શકાય. તેમણે પ્લાન્ટમાં ડ્રોનની મદદથી થર્મોગ્રાફિક ઇમેજનો ઉપયોગ કરીને પ્લાન્ટમાં સુધારણા કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે આપણે વિવેક સાથે AIનો ઉપયોગ કરવો જોઇએ, જ્યારે તેની ખાસ જરૂર હોય. જ્યાં સરળતાથી કામ ચાલતું હોય ત્યાં સરળ સાધનોનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો : Ahmedabad metro: હવે માત્ર આટલા રૂપિયામાં જ અમદાવાદથી ગાંધીનગર પહોંચી જવાશે, જુઓ ટાઈમટેબલ

ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોના બીજા દિવસે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઇન રિન્યુએબલ એનર્જી સેક્ટર (પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના અધિક સચિવ અભિષેક સિંઘ, વારી એનર્જીસ કંપનીના સીઇઓ ડૉ. અમિત પૈથાનકર, અદાણી ગ્રીન એનર્જીસ લિ.ના ચીફ ડિજીટલ ઓફિસર સુશ્રી માધવી ઇસાન્કા, એઝ્યોર પાવરના સીઇઓ સુનિલ ગુપ્તા, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના CSIRT- પાવર અને સીએસ ડિવીઝનના ડાયરેક્ટર એલ.કે.એસ રાઠોર અને ગ્રીન અર્થ એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સુમિત ચૌધરી સામેલ થયા હતાં. તેમણે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગ, તેના ભવિષ્ય અને પડકારો વિશે ચર્ચા કરી હતી.

વિશ્વમાં જે ક્ષમતાના સર્વરફાર્મ બની રહ્યા છે, બાજુમાં ન્યૂક્લિયર પ્લાન્ટ બનાવવા પડશે

આ ચર્ચાની શરૂઆતમાં કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના અધિક સચિવ અભિષેક સિંઘે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા પડકારો અને ટેક્નોલોજી વિશે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે AI ક્ષેત્રના વિકાસ માટે સૌથી મોટો પડકાર એ છે કે જે AI મોડલ આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં ઊર્જાની પુષ્કળ ખપત થાય છે. અત્યારે વિશ્વસ્તરે નાનામા નાનું મોડલ પણ 100 કિલોવોટ અવરની ઊર્જા વાપરે છે. અને મોટા મોડલ અને ટ્રાન્સફોર્મર્સ છે જે 500 મેગાવોટ અને ગીગાવોટની ઊર્જા વાપરે છે. અત્યારે વિશ્વમાં જે પ્રકારના સર્વર ફાર્મ અને કોમ્પ્યુટ ક્ષમતા નિર્માણ કરવામાં આવી રહી છે, તો ઘણીવાર લોકો કહે છે કે આપણે ખાલી ડેટા સેન્ટર જ નહિ, પણ તેની બાજુમાં ન્યુક્લિયર પ્લાન્ટ પણ બનાવવું પડશે. કારણ કે આટલા ઉચ્ચતમ કોમ્પ્યુટિંગ સેન્ટરને ઊર્જા આપવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે.

તેમણે જણાવ્યું કે AIમાં હીટ ઉત્પાદન અને કાર્બન ફુટપ્રિન્ટની પણ સમસ્યા સામે આવે છે. તેથી આપણે એવા ઉકેલ લાવવા પડશે, જેથી વાતાવરણ પર તેમના પ્રભાવોને વધુમાં વધુ ઘટાડી શકાય. ભારતે ઇન્ડિયા AI મિશન લૉન્ચ કર્યું છે. તેમાં જ્યારે પણ અમે AI અલ્ગોરિધમ અને મોડલ પર કામ કરીએ છીએ તો સંપૂર્ણ ધ્યાન એ વાત પર રહે છે કે કેવી રીતે ઊર્જા કાર્યક્ષમ મોડલ બનાવી શકાય. ડેટા સેન્ટરને કેવી રીતે ગ્રીન ડેટા સેન્ટરમાં કન્વર્ટ કરી શકાય અને નેટ ઝીરો ડેટા સેન્ટર કેવી રીતે બને, તેના પર પણ અમારું ફોકસ છે.

AIના રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રે ઉપયોગ અંગે તેમણે જણાવ્યું કે AIની મદદથી આપણે દેશના વિવિધ વિસ્તારોનું ફોરકાસ્ટ કરી શકીએ છીએ અને તેના આધારે કયા વિસ્તારમાં રિન્યુએબલ ઊર્જાનું ઇન્સ્ટોલેશન કરી શકાય, તે નક્કી કરી શકાય છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે ઇન્ડિયા AI મિશન લૉન્ચ કર્યું છે જેમાં અત્યારે ₹ 10 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં અત્યારે 14 પ્રોબ્લમ સ્ટેટમેન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે, જે અત્યારે લાઇવ છે. કોઈ પણ સ્ટાર્ટઅપ જો તેનું નિરાકરણ આપશે, તો તેમના માટે ₹ 1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. વધુ માહિતી https://indiaai.gov.in/ પર મળી રહેશે.

દેશના 12 રાજ્યોમાં સુદૂર ક્ષેત્રોમાં 60 પ્લાન્ટ, AI ડેટાથી નિરાકરણ જરૂરી

આ સત્રમાં એઝ્યોર પાવરના સીઇઓ સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે અમારી કંપનીના દેશના 12 રાજ્યોમાં 60 પ્લાન્ટ્સ છે જેમાં 2500થી 3000 જનરેટિંગ યુનિટ્સ છે. આ હજારો યુનિટમાં ક્યાય પણ કંઇ સમસ્યા આવે તો મેનપાવર મોકલી શકાતો નથી. ઘણા પ્લાન્ટ્સ તો બિલકુલ સુદૂર ક્ષેત્રોમાં છે. ઘણી વખત પૂર આવે છે તો અમે માણસો મોકલી જ નથી શકતા.આવા સમયે ડેટાના મદદથી AI એનાલિસીસ જ કામ આવી શકે છે. અમારા માટે આ મોટી સમસ્યા છે અને તેના નિરાકરણ માટે અમે અલગ અલગ AI કંપનીઓ સાથે પાયલટ કર્યા છે. તેમણે જણાવ્યું કે AIની મદદથી પ્લાન્ટમાં બ્રેકડાઉન અટકાવી શકાય છે, મેન્ટેનન્સ સારી રીતે થઇ શકે છે અને કાર્યક્ષમતા વધારી શકાય છે.

હવામાનનું લાંબાગાળાનું ફોરકાસ્ટ મળે તે જરૂરી,

અદાણી ગ્રીન એનર્જીસ લિ.ના ચીફ ડિજીટલ ઓફિસર માધવી ઇસાન્કાએ જણાવ્યું હતું કે ભારતમાં હવામાનનો ડેટા ભારતમાં સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે. તેનું પ્રારંભિક મોડલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેના પર આપણે એપ્લીકેશન્સ બનાવી રહ્યા છીએ. પણ જે રીતે ગ્લોબલ ડેટા અલગ અલગ મોડલમાં ઉપલબ્ધ છે, તેમાં ભારતનું મોડલ વધારે પરિપક્વ બને તે જરૂરી છે, જેથી લાંબાગાળાનું ફોરકાસ્ટિંગ થઇ શકે. આ ડેટા આરઇ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવશે. તેમણે ઊર્જા અને બાંધકામ ક્ષેત્રને સાથે જોડવાની વાત કહી હતી જેથી પ્લાન્ટના બાંધકામનો ખર્ચ ઘટાડી શકાય અને અન્ય ફાયદા મેળવી શકાય છે.

ડિજીટલ ટ્વિનથી સમગ્ર પ્લાન્ટની વર્ચ્યુઅલ ઇમેજ બની રહી છે
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના અધિક સચિવ શ્રી અભિષેક સિંઘે જણાવ્યું હતું કે અમુક દેશોમાં અત્યારે ડિજીટલ ટ્વિનની ટેક્નોલોજી આવી છે. જેમાં કોઈ પ્લાન્ટની એક વર્ચ્યુઅલ ઇમેજ બની જાય છે અને તેના આધારે તેમને અગાઉથી જ જણાવી દેવામાં આવે છે કે તમારા પ્લાન્ટમાં ક્યારે મેન્ટેનન્સ કરવું પડશે. તેનાથી ડાઉનટાઇમ ઘટે છે અને કાર્યક્ષમતા પર મોટો પ્રભાવ પડે છે. તેમણે ડેટા શેરિંગ અને વિવેકપૂર્ણ ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

આ સત્રમાં સાયબર સિક્યોરિટી અંગે પણ ચર્ચા થઇ હતી. અભિષેક સિંઘે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે નેશનલ સાયબર ક્રાઇમ કન્ટ્રોલ સેન્ટરના ડેટા પ્રમાણે સૌથી વધારે પાવર સેક્ટરમાં સાયબર એટેક થાય છે. આ ખતરા અંગે સભાન થઇને તેના નિરાકરણ પર કામ કરવું જરૂરી છે. આ સત્રમાં IIT ખરગપુરના કેમિકલ એન્જિનિયર શ્રી રાકેસ બિસ્વાસ અને ભારત સરકારના નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રાલયમાં હાઇડ્રોજન પ્રોજેક્ટ મેનેજમેન્ટના લીડ શ્રી બી.એન.સિંઘ દ્વારા લખાયેલ રિપોર્ટ: ‘એપ્લીકેશન્સ ઓફ આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સ ઇન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ’ જાહેર કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button