Top Newsઆપણું ગુજરાત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે 8 લેનનો બનવાની તૈયારી, નીતિન ગડકરીને કરાશે રજૂઆત

ગાંધીનગર/નવી દિલ્હીઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે. વાહન ચાલકોની સંખ્યામાં દિન પ્રતિદિન થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અમદાવાદ–વડોદરા એક્સપ્રેસવેને આઠ લેનનો બનાવવા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે. આ દરખાસ્ત નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં શરૂ થઈ રહેલી બે દિવસીય ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ બેઠકમાં ગુજરાત સહિત તમામ રાજ્યોના પરિવહન પ્રધાન, મુખ્ય સચિવો અને RTO કમિશનરો ભાગ લઈ રહ્યા છે.

વર્ષ 2004માં ગોલ્ડન ક્વોડ્રિલેટરલ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયેલ આ 93 કિમી લાંબો એક્સપ્રેસવે અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. છેલ્લા બે દાયકામાં ઝડપી શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને વસ્તીમાં વધારાને કારણે વાહનોની અવરજવરમાં ભારે ઉછાળો આવ્યો છે. હાલમાં આ માર્ગ પર દરરોજ અંદાજે 51,000 વાહનો પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક જામ અને વારંવાર અકસ્માતો સર્જાય છે. વડોદરા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડાણ થતાં આ રૂટ પર ટ્રાફિકનું દબાણ હજુ વધવાની શક્યતા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માર્ગને પહોળો કરવાનું કામ ટેકનિકલ રીતે શક્ય છે. કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પાસે પહેલેથી જ પૂરતો રાઈટ ઓફ વે ઉપલબ્ધ છે. અહેવાલો મુજબ, NHAI પાસે એક્સપ્રેસવેની બંને બાજુ 50 મીટર જમીન પહેલેથી જ છે, તેથી વધારાના જમીન સંપાદનની જરૂર નહિવત રહેશે. આ વિસ્તરણથી અમદાવાદ, વડોદરા અને મુંબઈ તરફની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે.

TDC બેઠકમાં માર્ગ સુરક્ષા વ્યૂહરચના, હાઈવે અપગ્રેડેશન, ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ અને સ્માર્ટ હાઈવે લેવલપમેન્ટ જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. એક્સપ્રેસવેના વિસ્તરણ અંગેનો અંતિમ નિર્ણય ચર્ચા બાદ કેન્દ્ર સરકાર લેશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button