Hit and Run: અમદાવાદના સિંધુભવન રોડ પર વધુ એક હીટ એન્ડ રન, બાઈક સવાર યુવકનું મોત

અમદાવાદનો સિંધુ ભવન રોડ અકસ્માતને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. એવામાં ગઈકાલે મોડી રાત્રે સિંધુ ભવન રોડ પર પરી એક અકસ્માતની ઘટના બની હતી, પૂરપાર વેગે જઈ રહેલી થાર ગાડીએ બાઈકને ટક્કર મારી હતી, જેને કારણે બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે અકસ્માત સર્જીને થાર ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ બાઈક ચાલક યુવક અને તેના મિત્રો રાત્રે નાસ્તો નીકળ્યા હતા, દરમિયાન સિંધુ ભવન રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળે કાર મુકીને જ ફરાર થઈ ગયો હતો.
અકસ્માત થતા રાહદારીઓના એકઠા થઇ ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.