વ્યાજખોરોના ત્રાસે લીધો એક વેપારીનો ભોગ; સુસાઇડ નોટમાં કોંગ્રેસના નેતાનો ઉલ્લેખ…
અમદાવાદ: ગુજરાતમાં વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસે એક વ્યક્તિના જીવનો ભોગ લેવાયો છે. અમદાવાદમાં ઓઢવમાં રહેતા દિનેશ નામનાં એમ્બ્રોડરીના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પતિની આત્મહત્યા બાદ પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કોંગ્રેસ નેતા સહિત 2 લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ડેનિશ પરમાર નામના વેપારીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ સમયે મૃતકના પત્ની કામથી બહાર ગયા હતા. તે દરમિયાન તેમના પતિએ આ પગલું ભરી લીધું હતું. આત્મહત્યા બાદ મૃતકના પત્નીને ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેના આધારે પોલિસે બે લોકોની ધરપકડ કરી છે.
સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર આત્મહત્યા તેમની મરજીથી નહિ પણ દેવાવાળાના કારણે કરી છે. તેમણે આત્મહત્યા માટે યોગેશ જૈન અને પ્રમોદ શાહ નામના બે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા વર્ષોમાં માતા પિતાની તબિયત ખરાબ હતી અને આથી તે પૈસાની જરૂરને પહોંચી વળવા માટે વ્યાજે પૈસા લીધા હતા. જે બાદમાં ભરી ન શકતા દેવું વધી જતાં બંને લોકો વેપારીને ધમકી આપી રહ્યા હતા તેના કારણે વેપારીએ આ પગલું ભરી લીધું છે.