અમદાવાદના વેપારીને ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી ભારે પડી, 1.91 કરોડની છેતરપિંડી

Ahmedabad Crime News: અમદાવાદમાં સાયબર ક્રાઈમની ઘટના વધી રહી છે. શહેરમાં રહેતા એક સ્ટીલના વેપારીએ સોશિયલ મીડિયા પર એક યુવતીની રિકવેસ્ટ સ્વીકારવાનું ભારે પડ્યું હતું. આ યુવતીએ વેપારીને વિશ્વાસમાં લઈને વેબુલ નામની ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મમાં રોકાણ કરીને ઝડપથી પૈસા કમાવવાની લોભામણી લાલચ આપી હતી. ફરિયાદી વેપારીએ યુવતીએ મોકલેલી લિંક પરથી ક્રિપ્ટો કરન્સીમાં 1. 92 કરોડનું રોકાણ કર્યું હતું. આ રકમમાંથી માત્ર 92 હજારની રકમ પરત મળી હતી. જ્યારે 1. 91 કરોડની રકમ પરત માંગતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
દુબઈમાં જિમ ઈક્વિપમેંટ ફેકટરીની માલિક અને મુંબઈમાં ઓફિસ હોવાનું જણાવ્યું
અમદાવાદમાં સ્ટીલનો વેપાર કરતા વેપારીના ફેસબુક પર કિરા શર્મા નામની યુવતીએ મેસેજ કર્યો હતો. આ મેસેજ બાદ વેપારી અને કિરા શર્મા વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. કિરા પોતે બિઝનેસ વુમન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેની વૈભવી લાઈફસ્ટાઈલના ફોટો મોકલીને પોતે સારો બિઝનેસ કરે છે તેવું પ્રસ્થાપિત કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતાં. કિરાએ તે દુબઈમાં જિમ ઈક્વિપમેંટ ફેકટરીની માલિક અને મુંબઈમાં પણ પોતાની ઓફિસ હોવાનું જણાવ્યું હતું. કિરા શર્માએ વેપારીને કહ્યું હતું કે, તેના અંકલ જે. પી. મોર્ગનમાં એનાલિસ્ટ તરીકે કામ કરે છે અને જુદી જુદી ક્રિપ્ટો કરન્સી અને યુએસડીટીમાં રોકાણ કરવાની ટીપ્સ આપે છે. તેમાં તેણે કરોડો રૂપિયાની કમાણી કરી છે.
Also read: 10 રોકાણકાર સાથે 47 લાખની છેતરપિંડી કરનારો પકડાયો
વેપારી કિરા શર્માની વાતોમાં ભોળવાઈને રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. કિરાએ તેને વેબુલ કંપનીનું એક યુઆરએલ આપ્યું હતું. જેને વેપારી તપાસ કરી સાચું હોવાની જાણકારી મેળવી હતી. ત્યાર બાદ વેબુલ કંપનીમાં તેણે રોકાણ કર્યું હતું. જેના વળતર પેટે રાબેતા મુજબ પૈસા તેમના એકાઉન્ટમાં આવી જતા હતાં. કિરાએ વેપારીને વિશ્વાસમાં લઈને કુલ રૂપિયા 1. 92 કરોડનું રોકાણ કરાવ્યું હતું. ત્યાર બાદ વેપારીના ખાતામાં 92 હજાર રૂપિયા જમા થયા હતાં.
વેપારીએ નફાની રકમ ઉપાડવા જતાં કિરાએ કહ્યું હતું કે, તમારે આ રકમ ઉપાડવા માટે 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. ત્યારે વેપારીએ આ પ્રકારનો કોઈ ટેક્સ લાગતો નથી તેવી દલીલ કરી હતી. કિરાએ તેનો મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો અને વેપારી સાથે અન્ય નંબર પરથી વાતચીત ચાલુ કરી હતી. આ નંબર પર કોલ કરતાં તે લાગતો નહોતો. જેથી વેપારી જમા રકમમાંથી ટેક્સના પૈસા કાપીને બાકીની રકમ પરત માંગતાં કોઈ જવાબ મળ્યો નહોતો. જેથી તેને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.