અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે અડપલાં: આક્ષેપ બાદ શિક્ષક સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યા હતો. વાલી દ્વારા બનાવ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવ્યા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. તેમજ ડીઇઓ દ્વારા શાળાને કડક પગલાં ભરવા આદેશ અપાયા હતા અને નોટિસ ફટકારવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રેયસ સ્કૂલમાં ધો. ૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શિક્ષક દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાની ફરિયાદ વિદ્યાર્થિનીના વાલી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી. મામલાની ગંભરીતા જોઇ ડીઇઓ દ્વારા શાળાને નોટિસ ફટકારાઇ હતી. બીજી તરફ શાળા દ્વારા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
આ અંગે ડીઇઓએ જણાવ્યું હતુ કે, શ્રેયસ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીના વાલી દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી હતી. વાલીએ જણાવ્યા પ્રમાણે તેમણે અગાઉ સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી પંરતુ સ્કૂલ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રકારના મામલામાં તાત્કાલિક પગલાં ભરવાના હોવાથી સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત ડીઇઓ કચેરીના અધિકારીઓ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં
આવશે.