95 દિવસ ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ, મળશે 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ…
અમદાવાદઃ દુબઈની તર્જ પર અમદાવાદમાં પણ આજથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે બલૂન ઉડાડી તેનો શુભારંભ કરાવ્યો હતો. આ શોપિંગ ફેસ્ટિવલ 95 દિવસ સુધી ચાલશે. જેમાંથી ખરીદી કરનારા ગ્રાહકોને 15થી 60 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ખરીદી માટે આવનારા ગ્રાહકો BRTS, AMTSમાં મફત મુસાફરી કરી શકે તેવી સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. ડ્રોમાં ભાગ લેનારાને આકર્ષક ઈનામ પણ આપવામાં આવશે. રાજ્ય સરકાર દર પાંચ વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Mehsana: દશેરાના દિવસે મહેસાણામાં બનેલી કરૂણાંતિકા પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, મૃતકોને 2 લાખની સહાય કરી જાહેર
અગાઉ વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું.
રાજ્ય કોર્પોરેશન અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રાલયના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદને એક મુખ્ય શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ઓળખવાનો છે.
અમદાવાદમાં ક્યાં ક્યાં યોજાશે શોપિંગ ફેસ્ટિવ
• સિંધુ ભવન રોડ
• સીજી રોડ
• નિકોલ – મોર્ડન સ્ટ્રીટ અને નરોડા વિસ્તાર
• મણિનગર – કાંકરિયા રામબાગ રોડ
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મ્યુઝિક ફેસ્ટિવલ, સ્ટેન્ડ અપ કોમેડી શો, સ્ટ્રીટ મ્યુઝિક, કલ્ચરલ પરફોર્મન્સ, ફેશન શો, કવિતા પઠન અને ઘણી ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનીંગ પણ યોજાશે. સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે બોટ રેસ, બોક્સિંગ, મેરેથોન, રોબો ફાઈટ, ડ્રોન શો અને ફાયર શો વગેરેનું પણ આયોજન થશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને 4 શોપિંગ ડિસ્ટ્રિક્ટ, 5 થીમ અને 14 હોટસ્પોટ્સમાં વહેંચવામાં આવ્યો છે.