શાળામાંથી પ્રવાસ લઈ જવો હોય તો જિલ્લા કચેરીની મંજૂરી ફરજિયાત: DEO અમદાવાદ

અમદાવાદ: 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલ્ટી ગઈ હતી. જેમાં સવાર 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને જવાબદાર લોકો સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બોટિંગ દરમિયાન બેદરકારી બદલ 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની ગંભીર નોંધ લઈને ઠેર ઠેર તંત્ર પણ આળસ મરડીને હરકતમાં આવી ગયું છે.
જેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કડક વલણ અપનાવ્યું છે. DEO એ જિલ્લાની તમામ શાળાને સૂચન કર્યું છે કે દૂર કે નજીકના પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ કચેરીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીથી અવગત કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ રોહિત ચૌધરીએ શાળા પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા સૂચન કર્યું છે. દૂર કે નજીકના પ્રવાસ માટે શાળાઓએ DEO કક્ષાએથી મંજૂરી લેવા સૂચના આપી છે.
આ સૂચના અનુસાર પ્રવાસ માટે લઈ જવાના વાહનોના કાગળ મોટર વેહિકલ એક્ટ મુજબના હોવા જરૂરી છે અને કોઈ પણ શાળા પ્રવાસ રાત્રિના સમયે પ્રાવસ ન ખેડી શકે તે નિયમની પણ જાણ કરવામાં આવી હતી.
જો આ સૂચનાની અવગણના કરવામાં આવી તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવા અંગેની પણ સૂચના આપવામાં આવી છે. વધુમાં તેને જણાવ્યુ હતું કે જો આ શરતો ભંગ થશે તો આવી શાળાઓને નોટિસ પણ જારી કરવામાં આવશે.
પ્રવાસની તમામ શરતો અને માર્ગદર્શિકા જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા શાળાઓને જણાવવામાં આવી છે. આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ શાળા સામે કડક કાર્યવાહીનું પણ સૂચન કરવામાં આવ્યું છે.