અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા આઠ મહિનામાં 644 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા
અમદાવાદઃ તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા જોખમી ડ્રાઈવિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ટકોર કરવામાં આવી હતી. જેના પગલે ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે સરકારે લાલ આંખ કરી આરટીઓ અધિકારીઓને લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સત્તા આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ આરટીઓ કચેરીએ સપાટો બોલાવી છેલ્લા આઠ મહિનામાં 644 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે તેમજ રોંગ સાઇડ, જોખમી ડ્રાઇવિંગના 400 કેસ થયા છે. ટ્રાફિકના વિવિધ નિયમો ભંગ કરનારના લાઇસન્સ 3થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.
સૌથી વધુ 384 લાઇસન્સ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા સસ્પેન્ડ કરાયા
અમદાવાદમાં લાઇસન્સ સસ્પેન્ડની કડક કાર્યવાહી કરાતી હોવા છતાં વાહનચાલકો બેફામ વાહનો હંકારતા જોવા મળે છે. વર્ષ 2021થી 2024 સુધીના છેલ્લા ચાર વર્ષમાં સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ કચેરીએ કુલ 2,481 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે આઠ મહિનામાં 1,884 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે.
જેમાં ચાલુ વર્ષે છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ 384 સુભાષબ્રિજ, 171 વસ્ત્રાલ અને 89 બાવળા આરટીઓ કચેરી દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે, જેમાં સુભાષબ્રિજ આરટીઓમાં સુનાવણી બાદ 44 લાઇસન્સ અકસ્માત, 15 લાઇસન્સ ઓવરસ્પીડ, 270 લાઇસન્સ જોખમી ડ્રાઇવિંગ અને 28 લાઇસન્સ હેલ્મેટ ન પહેરનારના સસ્પેન્ડ કર્યા છે. બાવળામાં 89માંથી 35 ટકા એટલેકે 30 લાઇસન્સ અકસ્માતના ગુનામાં જ સસ્પેન્ડ કરાયા છે.
સસ્પેન્ડ 644 લાઇસન્સમાંથી 100 મહિલાઓ
માહિતી મુજબ અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર આઠ મહિનામાં જ 644 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદમાં ચાલુ વર્ષે સસ્પેન્ડ 644માંથી 100 લાઇસન્સ મહિલાઓના છે. લાઇસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ ઓથોરિટીને જાણ કરવામાં આવે છે. જેના આધારે આરટીઓ કચેરીમાં સુનાવણી થાય છે અને સુનાવણી બાદ 3થી 6 મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાય છે. સસ્પેન્ડ લાઇસન્સમાં સૌથી વધુ રોંગસાઇડ અને જોખમી ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોનો સમાવેશ થાય છે.
Also Read –