ગુજરાતમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની એક બે નહીં 209 યાત્રાઓ નીકળશે
ગાંધીનગરઃ ગુજરાતભરમાં આવતીકાલે 7મી જુલાઈ આષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 136 રથયાત્રાઓ તેમજ અન્ય 73 શોભાયાત્રાઓ મળી કુલ 209 યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સૌથી મોટી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળશે એવુ ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કેબીનેટ મંડળની બેઠક મળી હતી. જેમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે વિગત આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા. 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 136 રથયાત્રાઓ તેમજ અન્ય 73 શોભાયાત્રાઓ મળી કુલ 209 યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય માં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમની સુરક્ષા-સલામતી તેમજ રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રામાં શાંતિ-સલામતી સુનિશ્ચિત કરવા ડ્રોન આધારિત કેમેરા સીસ્ટમ અને બોડી વોર્ન કેમેરા સીસ્ટમનો મહત્તમ ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવશે. રથયાત્રા નિર્વિઘ્ન ચાલે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ડીપ્લોય કરવામાં આવી છે.