રાજકોટ-અમદાવાદ સિક્સલેનની કામગીરી કેટલી થઈ પૂર્ણ? જાણો લોકસભામાં શુ આપવામાં આવી માહિતી...

રાજકોટ-અમદાવાદ સિક્સલેનની કામગીરી કેટલી થઈ પૂર્ણ? જાણો લોકસભામાં શુ આપવામાં આવી માહિતી…

અમદાવાદ: ગુજરાતમાં અનેક નેશનલ હાઇવેને સિક્સ લેન કરવાના તેમજ અન્ય વિકાસકાર્ય હાલ પ્રગતીમાં છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ-રાજકોટ હાઇવેની કામગીરી ચાલી રહી છે અને લોકો માટે આ કામગીરી એક માથાનો દુખાવો બની ગઈ છે, ત્યારે લોકસભામાં રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલાએ હાલ ગુજરાતમાં નેશનલ હાઇવેના વિકાસકાર્યો અને ખાસ કરીને રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેની કામગીરીની સ્થીતી અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ-રાજકોટ હાઈવેનો મોટો હિસ્સો પૂર્ણતાને આરે છે તેમજ વર્ષ 2029-30 સુધીમાં ₹55,614 કરોડના 69 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવશે.

55,614 કરોડના ખર્ચે 69 પ્રોજેક્ટ્સને મંજૂરી
જેના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં, ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના સુધારણા અને વિકાસ માટે સરકારે ₹55,614 કરોડના ખર્ચે 69 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે અમલીકરણના વિવિધ તબક્કામાં છે અને નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં તબક્કાવાર પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

રાજકોટ-જેતપુર હાઈવેની કામગીરી પર નિવેદન
રાજકોટ બાયપાસ એનએચ-27 ના જેતપુર-ગોંડલ-રાજકોટ વિભાગને છ-માર્ગીય બનાવવાની ચાલુ પરિયોજનાનો ભાગ છે, જેની સુધારેલી પૂર્ણતા તારીખ 26 ઓક્ટોબર 2025 છે. જો કે હાલમાં, હિંમતનગર બાયપાસના નિર્માણનો કોઈ પ્રસ્તાવ સરકાર હેઠળ વિચારણા હેઠળ નથી.

વર્ષ 2025-26માં 2,163 કરોડ વપરાયા
ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે વર્તમાન વર્ષ સહિત ફાળવવામાં આવેલ બજેટ અને થયેલા ખર્ચની વિગતો આપતા તેમણે જણાવ્યુ હતું કે વર્ષ 2023-24માં ₹10,900 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જયારે તેટલો જ ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ₹8,262 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકી ₹8,091 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ 2025-26માં ₹2,346 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જયારે ₹2,163 કરોડ ખર્ચવામાં આવ્યા હતાં.

અમદાવાદ-રાજકોટ હાઇવેની સ્થિતિ શું?
અમદાવાદ-રાજકોટ છ-માર્ગીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની સ્થિતિ વિશે માહિતી આપી હતી કે અમદાવાદથી બગોદરા સુધીના ૪૦ કિમી માટે ૪૬૭.10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતાં, જયારે 43 કિમીનું અંતર ધરાવતા બગોદરાથી લીંબડી ભાગ માટે 396 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. હાલ આ બન્ને ભાગના મુખ્ય કેરેજવેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જયારે સર્વિસ રોડનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.

લીંબડીથી સાયલાનો 38.95 કિમીના અંતરના આ ભાગ માટે 467.10 કરોડ ફાળવવામાં આવ્યા હતાં. હાલ તેના મુખ્ય કેરેજવેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જયારે સર્વિસ રોડ અને જંકશન સુધારણાનું વિવિધ કાર્ય પ્રગતિમાં છે. સાયલાથી બામણબોર વચ્ચેનો 38.950 કરોડના ખર્ચથી 37 કિમીના ભાગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જેમાં બાકીના 2 નાના પુલોનું કાર્ય હાલ નિર્માણાધીન છે. તે સિવાય રાજકોટથી બામણબોર વચ્ચેના 28.375 કિમીના ભાગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બાકીના હેડારીયો મોટો પુલ, કુવાડવા ફ્લાયઓવર અને ટોલ પ્લાઝાનું કાર્ય નિર્માણાધીન છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button