
અમદાવાદ પોલીસ કમિશનરે થોડા સમય પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું કે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાના કારણે ભારે વાહનો સહિત ખાનગી ટ્રાવેલ્સની બસો કે જે રાજ્યમાં અલગ અલગ સ્થળોએથી અમદાવાદમાં આવતી હોય છે તેમને સવારે 8 વાગ્યાથી લઇને રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદમાં પ્રવેશ નહિ મળે. આ જાહેરનામાને ટ્રાવેલ્સ એસોસિએશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જેના પર કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો છે.
હાઇકોર્ટે પોલીસ કમિશનરનું જાહેરનામાથી કાયદાનો ભંગ ન થતો હોવાનું નોંધ્યું છે અને જાહેરનામાને માન્ય રાખ્યું છે. ટ્રાવેલ્સ એસોસિએશને દલીલ કરી હતી કે તેમના ધંધા રોજગારના અધિકારનું આમાં ઉલ્લંઘન થઇ રહ્યું છે, પરંતુ એ દલીલને ફગાવતા હાઇકોર્ટે જાહેરનામાના નિયમો યથાવત રાખવાનો આદેશ કર્યો હતો.
જો કે જાહેરનામામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે તે મુજબ શહેર કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારે નવા જાહેરનામામાં રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસને મંજૂરી મળી છે. પહેલા શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાનો સમય હતો. જે બદલવામાં આવ્યો છે. ત્યારે 2004 પછી પહેલી વાર જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે.