Ahmedabad માં માતા પિતા જ બાળકો સાથે કરાવતા હતા ભિક્ષાવૃત્તિ, પોલીસે અટકાયત કરી…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ભિક્ષાવૃત્તિ કરાવનાર માતા-પિતા સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પાંચ થી આઠ વર્ષના બાળકો પાસે માતા-પિતા ભિક્ષાવૃત્તિ કરાવતા હતા. શહેરના પાંજરાપોળ અને ચાંદખેડા પાસેથી બાળકો મળી આવતા માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે માતા-પિતાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :ખેલૈયાઓ મન મૂકીને નાચોઃ હર્ષ સંઘવી લાવ્યા છે તમારા માટે ખુશ ખબર…
માતા-પિતા બાળકો પાસે કરાવતા હતા ભિક્ષાવૃત્તિ
અમદાવાદ શહેરના ચાંદખેડા અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. માતા-પિતા એક જગ્યાએ બેસે અને તેમના બાળકોને ભીખ માંગવા મોકલે છે આ વાતને પોલીસે પર્દાફાશ કર્યો છે. બાળકો ચાર રસ્તેથી જે ભિક્ષાવૃતિ કરતા તેના રૂપિયા માતા-પિતાને આપતા અને માતા-પિતા તેમાથી તેમનું ગુજરાન ચલાવતા હતા. પોલીસે માતા-પિતાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ કાર્યરત
અમદાવાદમાં ગુમ થતાં બાળકો અને ભિક્ષાવૃતી કરતા બાળકોને રેસ્ક્યુ કરવા માટે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ કાર્યરત છે. જેના દ્વારા છેલ્લા છ મહિનામાં 96 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ રેસ્કયુ કરાયેલા બાળકોમાં ત્રણ બાળકીઓના અપહરણને લઈ હેબિયસ કોપર્સ પણ દાખલ થયેલી હતી. રેસ્કયુ કરાયેલા ભીક્ષાવૃત્તિ કરતા 65 બાળકો માંથી 37 બાળકીઓ છે.