Raksha Bandhan: પાકિસ્તાનમાં જન્મેલી મહિલા 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે, જાણો કોણ છે Qamar Sheikh

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનીને છેલ્લા 29 વર્ષથી રાખડી બાંધી રહેલી કમર શેખ(Qamar Sheikh) ફરી એકવાર 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે. આ સતત 30મું વર્ષ હશે જ્યારે કમર શેખ નરેન્દ્ર મોદીના કાંડા પર રાખડી બાંધશે.
છેલ્લા 35 વર્ષથી પીએમ મોદીના સંપર્કમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. કમર શેખે વર્ષ 1981માં મોહસીન શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ભારતમાં સ્થાયી થઇ છે. કમર શેખ 1990થી એટલે કે છેલ્લા 35 વર્ષથી પીએમ મોદીના સંપર્કમાં છે. કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે.
મને સૌથી વધુ ગમતી રાખડી હું તેમના કાંડા પર બાંધું છું
આવતા સપ્તાહે સોમવારે રક્ષાબંધનનો તહેવાર આવશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કમર શેખ પીએમ મોદીને રાખડી મોકલશે. કમર શેખે કહ્યું, ” હું મારા ભાઈ માટે બજારમાંથી રાખડી ખરીદતી નથી, હું દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે ઘણી બધી રાખડીઓ બનાવું છું અને અંતે મને સૌથી વધુ ગમતી રાખડી હું તેમના કાંડા પર બાંધું છું.”
આ વખતે કેવી બનાવી છે રાખડી ?
આ વખતે 30માં વર્ષે પીએમ મોદીને રાખડી બાંધવાની તૈયારી કરી રહેલા કમર શેખ કહે છે, “હું આ વર્ષે પીએમ મોદીને જે રાખડી બાંધવાની છું, તે મેં વેલવેટથી બનાવી છે. તેમાં મોતી અને જરદોશીનો ઉપયોગ કર્યો છે. પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી જવા માટે કમરે રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટની એર ટિકિટ લીધી છે.
પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી ગયા હતા
કમરે શેખે કહ્યું કે કોરોના પહેલા તે પોતે પીએમને રાખડી બાંધવા જતી હતી. પરંતુ વર્ષ 2020, 2021, 2022 સહિત ત્રણ વર્ષ સુધી કોરોનાને કારણે તે પોતે પીએમ મોદીને રાખડી બાંધવા જઈ શકી ન હતી. પરંતુ વર્ષ 2023માં એટલે કે ગયા વર્ષે તે પતિ મોહસીન શેખ સાથે પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી ગયા હતા.
કમર શેખને આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમને રક્ષાબંધનના દિવસે આમંત્રણ આપવામાં આવશે. એક બહેન તરીકે કમર શેખ આ વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહી છે.
પીએમ મોદીને કેવી રીતે મળ્યા?
પીએમ મોદી સાથે છેલ્લા 35 વર્ષથી ભાઈ-બહેનના સંબંધો વિશે કમર શેખ જણાવે છે કે વર્ષ 1990માં ગુજરાતના રાજ્યપાલ સ્વર્ગસ્થ ડૉ. સ્વરૂપ સિંહે તેમની પહેલી વાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવી હતી. ડૉ. સ્વરૂપ સિંહે જ્યારે એરપોર્ટથી રવાના થઈ રહ્યા હતા કમર શેખ તેમને મળવા પહોંચ્યા હતા. આ સમયે નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. ત્યારે ડોક્ટર સિંહે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે કમર શેખ તેમની પુત્રી છે. આ સાંભળીને નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી કમર તેમની બહેન છે. ત્યારથી તે રક્ષાબંધનના તહેવાર પર પીએમ મોદીને સતત રાખડી બાંધી રહી છે.
આ સાંભળીને નરેન્દ્ર મોદી ખૂબ હસ્યા હતા
પીએમ નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચેના ભાઈ-બહેનના સંબંધો અંગે કમર શેખ કહે છે, “જ્યારે હું PM મોદીને મળી ત્યારે તેઓ માત્ર સંઘના કાર્યકર હતા. તેમને રાખડી બાંધતી વખતે મેં એક વાર તેમને કહ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે એક દિવસ તમે ગુજરાતના મુખ્યમંત્રી બનશો.” આ સાંભળીને નરેન્દ્ર મોદી ખૂબ હસ્યા હતા.
સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા
કમર કહે છે, “જ્યારે મારી પ્રાર્થના વાસ્તવિકતામાં ફેરવાઈ ત્યારે રક્ષાબંધન પર તેમણે મને પૂછ્યું, કે મેં ભાઈ માટે કઈ પ્રાર્થના કરી છે? મેં તેને કહ્યું કે મેં મારા ભાઈ નરેન્દ્ર મોદી માટે દેશના વડા પ્રધાન બને તે માટે પ્રાર્થના કરું છું. હું ખુશ છું કે આજે તેઓ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે.