હવે દસ ધક્કા નહીં ખાવા પડે Passport માટે, અમદાવાદમાં ઘરબેઠાં મળશે આ સેવા
અમદાવાદઃ આજકાલ લગભગ સૌથી લાંબી લાઈન પાસપોર્ટ ઓફિસ બહાર હોય છે. અભ્યાસ અને કામકાજ માટે તેમ જ ફરવા માટે વિદેશ જનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ઘણી ખરી સેવા ઓનલાઈન થઈ હોવા છતા ઓફલાઈન પણ પ્રક્રિયાઓ થતી હોય છે, આથી તમારે દસ ધક્કા કોઈ સરકારી કામકાજ માટે ખાવા પડતા હોય છે. આ બધાથી છૂટકારો મળવાના આસાર દેખાઈ રહ્યા છે.
એક મીડિયા અહેવાલ અનુસાર વિદેશ મંત્રાલય દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં હરતી ફરતી વાન શરૂ કરાશે. વિદેશ મંત્રાલય તરફથી પાસપોર્ટ ઓફિસમાં સેવા શરૂ થશે. જેમાં એક હરતી ફરતી વાન પાસપોર્ટની જેમ સુવિધા આપશે. વેનમાં પાસપોર્ટ ઓફિસની જેમ જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગર પ્રિન્ટ અને ફોટો લેવાશે. જો કે કેટલી અપોઈન્ટમેન્ટ લેવી, કેટલી વાન અમદાવાદને મળશે તેને લઈને આગામી સમયમાં પોલિસી બનશે.
સિનિયર સિટીઝન માટે આ વેન સૌથી વધુ ઉપયોગી પુરવાર થશે. પાસપોર્ટ વેનમાં પાસપોર્ટ કચેરીનો એક અનુભવી કર્મચારી તેમજ એક ટીસીએસ હાજર રહેશે. ફાઈલ પાસપોર્ટ ઓફિસના ગ્રાન્ટિંગ ઓફિસર મંજૂર કરશે. આમ થવાથી પાસપોર્ટ ઓફિસ બહારની લાઈન ઓછી થશે. દેશમાં ચંદીગઢ, પુણે અને અમદાવાદ આ ત્રણ શહેરોમાં આ સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે.
માહિતી મળી રહી છે કે અમદાવાદ ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાસપોર્ટની વધુ અરજીઓ આવતી હોય ત્યાં વેન ફરતી રહેશે. ઓનલાઈન એપ્લિકેશનનું ભારણ વધી જાય ત્યારે આ વેન ઉપયોગી સાબિત થશે. પાસપોર્ટની ઓનલાઇન એપોઇમેન્ટ બુક કરશો ત્યારે વેનનો પણ વિકલ્પ અપાશે. વેન કયા વિસ્તારમાં કેટલા વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે તે વિસ્તારમાં એપોઈમેન્ટ બુક કરતાં અરજદારોએ વેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ અને ગુજરાતમાંથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જતા યુવાનોની સંખ્યા ખૂબ વધુ છે અને અહીંની રિજનલ પાસપોર્ટ ઓફિસો હંમેશાં અરજી અને અરજદારોથી ઊભરાતી હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવી વેન ચાલુ થયા તો તેમના શહેરના ધક્કા ઘણે અંશે ઓછા થઈ જાય.