ગુજરાતમાં 24 કલાકમાં ત્રણ હત્યાઃ કાયદાનો ડર જ નથી
અમદાવાદઃ રાજ્યભરમાં રોજબરોજ એવી ઘટનાઓ બનતી રહે છે જે સાબિત કરે છે કે કાયદાનો ડર અસામાજિક તત્વોને નથી. શહેરોમાં ખાસ કરીને હત્યાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ અને રાજકોટમાં 24 કલાકમાં ત્રણ હત્યાના કેસ નોંધાયા છે. શહેરમાં સરખેજ બાદ ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે લોકોની હત્યાના બનાવ બન્યા હતા. અંગત અદાવતમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે બે લોકો સામે ગુનો નોંધી એક શખ્સની અટકાયત કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના શહેરના ગોમતીપુરમાં આવેલા હાથીખાઈ ગાર્ડન નજીક બે લોકોની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં તલવાર વડે ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. અન્ય એક વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યુ છે. પોલીસે હત્યા કરનાર સમીર અને કમિલ સામે ગુનો નોંધી એક શખ્સની અટકાયત કરી છે.
આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ ટ્રેન મુસાફરીનો સમય ઘટશે, આ તારીખે ટ્રેનો 160ની સ્પીડ પર દોડશે
દરમિયાન રાજકોટમાં અર્જુન વ્યાસ નામના યુવકની હત્યાનો કેસ નોંધાયો છે. યુવકને દગો કરી ગાંજો પીવડાવી તેને છરીથી રહેંસી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના સરખેજમાં મંગળવારે રાત્રે એક શખ્સ પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાની ઘટના બની હતી.