અમદાવાદ મનપાનું ₹ ૧૦,૮૦૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું: વિકાસ માટે આ પાંચ બાબતો પર ફોકસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપાનું બુધવારે ડ્રાફ્ટ બજેટ મનપા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પાંચ મહત્ત્વની બાબત પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે. જેમાં વિકસિત અમદાવાદ-૨૦૪૭, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઇકોનોમી તથા લીવેબલ અને હેપ્પી સિટી આ પાંચ બાબતો પર ફોકસ કરાયું છે.
ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમીને પ્રાધાન્ય અપાયું છે. તથા લીવેબલ અને હેપ્પી સિટી બનાવવા બજેટમાં જોગવાઈ છે. અમદાવાદ મનપાનું રૂ. ૧૦,૮૦૧ કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.
મનપાના વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફ્ટ બજેટમાં ૧૫.૬૫ કીમી લંબાઈના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-૨ રૂ. ૧૨૩૦ કરોડના ખર્ચે આયોજન, ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી ૪.૫ કિ.મી. પશ્ર્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફ્રન્ટ ફેઝ-૩નું એક હજાર કરોડનાં ખર્ચે આયોજન તેમદ શહેરમાં ૨૫૦ કિ.મી.ના રસ્તા રીગ્રેડ, ૫૦ કિ.મી.ના માઈકો રીસરફેસીંગ તથા ૧૦૦ કિ.મી.ના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ ૪૦૦ કિ.મી.ના રોડ રૂ. ૭૯૦ કરોડનાં ખર્ચે બનાવાશે.
આ ઉપરાંત રૂ. ૧૩૫ કરોડનાં ખર્ચે ૦૫ આઈકોનિક રોડ બનાવાશે જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ હશે તેમજ લો-ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત લો-ગાર્ડનની આજુબાજુનાં રોડ ડેવલપમેન્ટનું રૂ. ૭૫ કરોડનાં ખર્ચે આયોજન જ્યારે રૂ. ૧૫ કરોડનાં ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાાજુના રોડ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન વર્ષ-૨૦૩૬ ધ્યાને લઇ રૂ. પાંચ કરોડનાં ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન તેમજ રૂ. ૪૫ કરોડનાં ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટી.પી.માં ૬૭ કિ.મી.નાં ટી.પી. રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન છે. જેમાં હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેનાં નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ થશે.