અમદાવાદ મનપા ગ્રીન પ્રોજેક્ટ માટે ૨૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવશે જે અંગેની તમામ સત્તાઓ સત્તાધીશો દ્વારા કમિશનરને સોંપવામાં આવી છે. શહેરમાં સતત ચાલતી સ્વચ્છતા ઝુંબેશમાં અગ્રણીઓને સામેલ કરવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટે એન્વાયરમેન્ટ સેલની રચના કરવા સ્ટેન્ડિગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી.
અમદાવાદ મનપા સ્ટેન્ડિગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે મનપા દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવશે જે અંગે એપ્રિલ-ર૦રરમાં ઠરાવ થઈ ગયો હતો હવે તેને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કમિટી દ્વારા કમિશનરને સત્તા સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારની અમૃત ર.૦ અંતર્ગત રૂ.૩ર૦૦ કરોડના પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યા છે. તે પૈકી જે પ્રોજેકટ ગ્રીન પ્રોજેકટની વ્યાખ્યામાં આવતા હશે તેના માટે બોન્ડની રકમ ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા આ માટે ગ્રીન સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગ્રીન પ્રોજેકટ જાહેર કર્યાં બાદ સરકાર તરફથી રૂ.ર૦ કરોડની અપફ્રન્ટ ઈન્સેન્ટીવ આપવમાં આવશે. ર૦૧૯માં કોર્પોરેશન દ્વારા બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. જેના માટે રૂ.ર૬ કરોડનું ઈન્સેન્ટિવ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તે રકમ મેળવવા માટે રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવા જરૂરી છે.