Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ગુજરાતના સ્ટેશનો સ્થાનિક હેરિટેજને ઉજાગર કરશે, જાણો વિગત
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હશે. આ ટ્રેન 508 કિલોમીટર લાંબા રેલ કૉરિડોર પર દોડશે. જેના કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો સમય ઘટીને બે કલાક રહી જશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર ગુજરાતની સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને ઉજાગર કરશે. 508 કિલોમીટર બુલેટ ટ્રેન પ્રોજેકેટ ડિસેમ્બર, 2025માં લૉન્ચ થશે અને ગુજરાતના 8 રેલવે સ્ટેશનો સ્થાનિક હેરિટેજને દર્શાવશે.
સ્ટેશનો
સાબરમતી સ્ટેશન: મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત, આ સ્ટેશન ભારતની સ્વતંત્રતાનું પ્રતીક છે અને નજીકના સાબરમતી આશ્રમને શ્રદ્ધાંજલિ આપશે.
અમદાવાદ સ્ટેશન: સિદી સૈય્યદની જાળીનું પ્રદર્શન, સ્ટેશનની છત પર રંગબેરંગી પતંગો દર્શાવવામાં આવશે, જે શહેરના પ્રખ્યાત પતંગ ઉત્સવને પ્રદર્શિત કરશે.
આણંદ સ્ટેશન: શ્વેત ક્રાંતિ માટે જાણીતું, આણંદ તેની દૂધ અને શ્વેત ક્રાંતિના વારસાને પ્રતિબિંબિત કરતી સફેદ ડિઝાઇનનું પ્રતિનિધિત્વ કરશે.
વડોદરા સ્ટેશન: તેના પાંદડાવાળું આ શહેરમાં વડના વૃક્ષોની ઝાંખી કરાવશે.
ભરૂચ સ્ટેશન: આ રેલવે સ્ટેશન પર પરંપરાગત હસ્તકલાને પ્રકાશિત કરતી સુજાની વણાટનું પ્રદર્શન દર્શાવવામાં આવશે.
સુરત સ્ટેશન: ચમકદાર ડિઝાઈન વૈશ્વિક ડાયમંડ પોલિશિંગ હબ તરીકે સુરતની પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરશે.
બીલીમોરા સ્ટેશન: સ્ટેશન તાજા પીળા રંગની સાથે વિસ્તારના કેરીના બગીચાઓની ઓળખ રજૂ કરશે.
વાપી સ્ટેશનઃ તેની આધુનિક ડિઝાઈન શહેરના ઝડપી ઔદ્યોગિક વિકાસનું પ્રતિક બનશે.
દરેક સ્ટેશન સ્થાનિક વસ્તુઓને ઉજાગર કરશે
NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ સ્ટેશનો સમુદાયોને જોડતા વાઇબ્રન્ટ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા છે. દરેક સ્ટેશન સ્થાનિક વસ્તુઓને ઉજાગર કરશે. ગુપ્તાના કહેવા મુજબ, અમારો ઉદ્દેશ્ય શહેરના એવા તત્વોને પ્રકાશિત કરવાનો હતો જેને રહેવાસીઓ ચાહે છે. દાખલા તરીકે, સુરત હીરા ઉદ્યોગનું હૃદય છે, જ્યારે વડોદરા તેના વટવૃક્ષ માટે જાણીતું છે.
પરિવહન ઉપરાંત, આ સ્ટેશનો આર્થિક વિકાસને વેગ આપશે અને સમુદાયો માટે એકત્ર થવાના સ્થળો તરીકે સેવા આપશે. 90 ઉર્જા-કાર્યક્ષમ એસ્કેલેટર્સની મૂકવાની યોજના પહેલેથી જ ચાલી રહી છે, જે પ્રવાસીઓની સુલભતા અને આરામમાં વધારો કરશે.
સ્ટેશનોની આસપાસના વિસ્તારો ધમધમતા કોમર્શિયલ, રેસિડેન્શિયલ ઝોન બની જશે
NHSRCL આર્થિક વિકાસને વેગ આપવા અને શહેરી જોડાણ સુધારવા માટે આ સ્ટેશનોની આસપાસના વિસ્તારોને વિકસાવવાની યોજના ધરાવે છે. ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ દ્વારા, સાબરમતી અને સુરત જેવા મુખ્ય સ્ટેશનોની આસપાસના વિસ્તારો ધમધમતા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ઝોન બની જશે.