અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનમાં કેટલા બ્રિજ થયા ઈન્સ્ટોલ? જાણો લેટેસ્ટ અપડેટ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતઆમચી મુંબઈ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનમાં કેટલા બ્રિજ થયા ઈન્સ્ટોલ? જાણો લેટેસ્ટ અપડેટ

મુંબઈ/અમદાવાદઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (એનએચએસઆરસીએલ) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાને લઈ મોટું અપડેટ આપ્યું છે. ગુજરાતના અમદાવાદમાં 10મા સ્ટીલ બ્રિજને સફળતાપૂર્વક ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. એનએચએસઆરસીએલ અનુસાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો 10મો સ્ટીલ બ્રિજ અમદાવાદ જિલ્લામાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. 60 મીટર લંબાઈના આ સ્ટીલ બ્રિજને વેસ્ટર્ન રેલવે ટ્રેક (લૉન્ડ્રી) નજીક લૉન્ચ કરવામાં આવ્યો છે. આ બ્રિજને સાત કલાકમાં લગાવવામાં આવ્યો હતો.

નિવેદન અનુસાર આ સ્ટીલ બ્રિજને ઈન્સ્ટોલ કરવાનું કામ પડકારજનક હતું. પહેલા તેને જમીનથી 16.5 મીટર ઊંચાઈ પર એેસેમ્બલ કરવામાં આવ્યો હતો અને બાદમાં સાઈડ સ્લ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાં 200 ટન ક્ષમતાવાળા બે જેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 12 મીટર ઊંચાઈ અને 11.4 મીટર પહોળાઈ વાળા 485 મેટ્રિક ટન વજન ધરાવતાં સ્ટીલ બ્રિજનું નિર્માણ વર્ધામાં કરવામાં આવ્યું હતું. તેને વિશેષ રીતે બનાવવામાં આવેલા ટ્રેલરમાં અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બીકેસી અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશન પાસે ઊભુ કરાશે બહુમાળીય પાર્કિંગ

અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો વાયડક્ટ (ઉંચો માર્ગ) કુલ 31 ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યો છે, જેમાં રેલવે ટ્રેક, ફ્લાયઓવર, નહેર, સાબરમતી નદી પરનો એક નદી પુલ અને છ સ્ટીલ બ્રિજનો સમાવેશ થાય છે. સમગ્ર કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં છે. બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન ગુજરાતમાં થશે. આ ટ્રાયલ રન સુરતથી બિલિમોરા વચ્ચે થવાની સંભાવના છે. છેલ્લા એક મહિનામાં રેલવે પ્રધાન બે વખત બુલેટ ટ્રેનના કામનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.

ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ સ્ટીલ બ્રિજ થયા છે ઈન્સ્ટોલ

  • નેશનલ હાઈ-53, સુરત
  • ભારતીય રેલવેની વડોદરા-અમદાવાદ મુખ્ય લાઇન પર, નડિયાદ,
  • દિલ્હી-મુંબઈ રાષ્ટ્રીય એક્સપ્રેસવે, વડોદરા
  • દાદરા અને નગર હવેલીમાં સિલવાસા
  • પશ્ચિમ રેલવે ટ્રેક, વડોદરા, ગુજરાત
  • ડીએફસીસી ટ્રેક અને પશ્ચિમ રેલવે ટ્રેક ઉપર, સુરત
  • ડીએફસીસી ટ્રેક ઉપર, વડોદરા
  • ડીએફસીસી ટ્રેક ઉપર, ભરૂચ, ગુજરાત નજીક
  • એનએચ-48 પર, નડિયાદ
  • રેલવે સુવિધા (લૉન્ડ્રી) ઉપર, અમદાવાદ

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું છેલ્લું સ્ટેશન બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં બાંધવામાં આવશે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ અહીં વાહનોની સંખ્યામાં જબરદસ્ત વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અહીં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ દ્વારા અહીં બહુમાળીય પાર્કિંગ ઊભું કરવાની છે, તે માટે તેણે પ્લાન પણ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ…

બુલેટ ટ્રેનથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર બેથી અઢી કલાકમાં પાર કરી શકાશે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા 508 કિલોમીટર લંબાઈના આ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ કરી રહી છે. આ રૂટ પર છેલ્લું સ્ટેશન બીકેસી હશે અને તે અંડરગ્રાઉન્ડ હશે. બુલેટ ટ્રેન 2028-29 સુધીમાં શરૂ થવાની શક્યતા છે. આ સ્ટેશન શરૂ થયા બાદ બીકેસીમાં આવનાર વાહનોની સંખ્યામાં વધારો થશે. સ્ટેશન નજીક કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. તેથી પ્લાનિંગ ઓથોરિટી ગણાતી એમએમઆરડીએની ચિંતા વધી ગઈ છે. હકીકતમાં બીકેસીમાં પહેલાથી ટ્રાફિકની સમસ્યા રહી છે, તેમાં બુલેટ ટ્રેન શરૂ થયા બાદ વાહનોની સંખ્યા વધવાની સાથે જ ટ્રાફિક સમસ્યા પણ વકરવાની શકયતાને ધ્યાનમાં રાખી બહુમાળીય પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. તે માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને બહુ જલદી તે મુજબ કામ શરૂ કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button