આપણું ગુજરાત

અમદાવાદની 100 વર્ષ જૂની માઉન્ટ કાર્મેલ સ્કૂલ થશે બંધ, વાલીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદ: શહેરના આશ્રમરોડ વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની માઉન્ટ કાર્મેલ સ્કૂલને બંધ કરવાનો સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો છે. જેને પગલે હાલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડે તેવા સંજોગો ઉભા થયા છે.

આગામી જૂન 2024થી માઉન્ટ કાર્મેલ સ્કૂલનું બિલ્ડીંગ 84 વર્ષ જૂનું હોવાથી તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન જણાતા સ્કૂલ બંધ કરીને ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓને 2 અલગ અલગ સ્કૂલોમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને ખાનપુર વિસ્તારની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં જ્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને મિરઝાપુર વિસ્તારની સેટ ઝેવિયર્સ સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરીને સવારને બદલે બપોરનો સમય કરી દેવામાં આવ્યો છે જેને કારણે વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

શાળાના સત્તાધીશોએ વાલીઓને બોલાવીને આ અંગે માહિતી આપી હતી. ઘણી સમજાવટ છતાં પણ વાલીઓ આ નિર્ણયથી સંમત થયા નથી. વાલીઓની આક્ષેપ છે કે, સ્કૂલ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ હોવાનું ખોટું કારણ આપવામાં આવ્યું છે. સ્કૂલના મુખ્ય બિલ્ડિંગનું સ્ટ્રકચર યોગ્ય છે અને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવી શકાય છે. સ્કૂલ દ્વારા અચાનક જ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી બાળકોના શિક્ષણ પર ખરાબ અસર પડે તેવી શક્યતાઓ છે. કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે પ્રાઇમ લોકેશન પર આવેલી શાળાની જમીન વેચીને સત્તાધીશો પૈસા ઉભા કરવા માંગે છે. વાલીઓની દલીલમાં કેટલું તથ્ય છે તે તો સમય જ કહેશે, પરંતુ હાલમાં આ સ્કૂલના હયાત બિલ્ડીંગને તોડી પાડવામાં આવશે તેટલું નક્કી છે.


આ ઘટના અંગે માઉન્ટ કાર્મેલ સ્કૂલના સંચાલકો સાથે સીધી વાતચીત થઇ શકી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button