આપણું ગુજરાત

અમદાવાદમાં ડેન્ગ્યૂના ૩૯૩, ટાઈફોઈડના ૨૮૫ કેસ નોંધાયા


અમદાવાદમાં બે દિવસ અગાઉ સારો એવો વરસાદ વરસી ગયો, પરંતુ પાલિકાના કામકાજના હિસાબે ઠેર ઠેર પાણી અને ગંદકીનું સામ્રરાજ્ય છે ત્યારે રોગચાળો ઓછા થવાનું નામ લેતો નથી. મળતી માહિતી અનુસાર શહેરમાં મચ્છરજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યૂના ૩૯૩ તથા ટાઈફોઈડના ૨૮૫ કેસ નોંધાયા હતા.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૩૬ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.જયારે ૧૮૮ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી તડકાના અભાવ ઉપરાંત સતત ભેજવાળા વાતાવરણની વચ્ચે મોટાભાગના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ મોટાપ્રમાણમાં જોવા મળી રહયો છે. મેલેરીયા,ડેન્ગ્યૂ ઉપરાંત વાઈરલના કેસ ઘેર-ઘેર જોવા મળી રહયા છે.મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની સાથે મ્યુનિ.સંચાલિત શારદાબેન, એલ.જી. હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલમાં ઓ.પી.ડી.સારવાર લેવા પહોંચતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં મેલેરિયાના ૮૩, ઝેરી મેલેરિયાના ૮ ઉપરાંત ચિકનગુનિયાના ૬ કેસ નોંધાયા હતા. ડેન્ગ્યૂ માટે ૫૨૮૯ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા.પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૨૬૮, કમળાના ૧૧૮ ઉપરાંત કોલેરાના ૬ કેસ નોંધાયા છે. વટવા અને દાણીલીમડા વોર્ડમાં અનુક્રમે બે-બે જયારે ઈન્દ્રપુરી તથા ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો અનુક્રમે એક-એક કેસ નોંધાયો હતો.
જોકે આજે ફરી તડકો હોવાથી ગંદકી ધીમે ધીમે ઓછી થશે તેમ રોગચાળાનું પ્રમાણ પણ ઘટશે, તેમ માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button