અમદાવાદ મેટ્રોરેલઃ બે વર્ષમાં 65 કરોડ કમાણી, પણ ખોટનો આંકડો જાણશો તો…
અમદાવાદઃ શહેરોને એકબીજા વિસ્તારોથી જોડવા અને ઝડપથી ટ્રાવેલિંગ કરવા માટે મેટ્રો રેલ નેટવર્ક દેશભરમાં શરૂ થયું છે. અમદાવાદને ઘણી પ્રતીક્ષા બાદ પહેલી મેટ્રો મળી છે, પરંતુ શહેરીજનો ખાનગી વાહનો કે બસમાં જવાનું વધારે પસંદ કરતા હોય તેમ જમાઈ રહ્યું છે. મેટ્રો ભારે ખોટ ખાઈ કાર્યરત હોવાનું આંકડાઓ કહે છે.
થોડા દિવસો પહેલા જ મેટ્રેના બીજા ફેસનું પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, પણ લોકોનો ધસારો જોઈએ તેવો નથી.
30મી સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. બે વર્ષમાં મેટ્રોએ કમાણી ઓછી કરી છે અને ખોટ વધારે ખાધી છે. જોકે હવે મેટ્રોનો આખો રૂટ શરૂ થતાં લોકો આ નવા મોડ ઓફ ટ્રાન્સપોર્ટ તરફ વળે તેવી સંભાવના છે.
જીએમઆરસીને વર્ષ 2022-23માં પ્રતિ દિવસે સરેરાશ રૂ. 87 લાખનું નુકસાન ભોગવવું પડ્યું છે. અલબત્ત વર્ષ 2021-22ની સરખામણીએ ખોટમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 465 કરોડની ખોટ થઈ હતી. હવે નવા રૂટ વધતાં મુસાફરોને પગલે ખોટની આ રકમ દર વર્ષે ઘટવા લાગે તેવી પૂરી સંભાવના છે.
આ પણ વાંચો : અમદાવાદ ડિવિઝનથી ચાલતી/પસાર થતી 3 ટ્રેનો આંશિક ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
જીએમઆરસીના સૂત્રોના જણાવ્યાનુસાર, ઑક્ટોબર 2022થી ઑગસ્ટ 2024 સુધી મેટ્રોમાં દરરોજ સરેરાશ 72, 514 મુસાફરોથી રૂ. 8.88 લાખની આવક થઈ છે. આ વર્ષે જાન્યુરીથી ઑગસ્ટ સુધી મેટ્રોમાં 2.31 કરોડ મુસાફરો નોંધાયા છે જ્યારે 27.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેની સરખામણીએ ગત વર્ષે 2.53 કરોડ મુસાફરો નોંધાયા હતા.
મુંબઈની મેટ્રોની જેમ અહીં પણ મેટ્રો સ્ટેશન આસપાસ જે કનેક્ટિવિટી હોવી જોઈએ તે નથી. અમુક સ્ટેશનો એવી જગ્યાએ છે જ્યાંથી અન્ય કોઈ સુવિધાઓ મળતી નથી.
ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે. પણ મેટ્રો સ્ટેશનની આસપાસ પાર્કિંગની સુવિધાનો અભાવ છે. મેટ્રો સ્ટેશન પાસે જ અન્ય સ્થળે જવા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા હોય તો મુસાફરો હજુ વધી શકે.