અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ; પાંચ સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીને કારણે બે દર્દીના મોત થતા અને સાત દર્દીની સ્થિતિ ચિંતાજનક છે. આ ચોંકાવનાતી ઘટનામાં રાજ્ય સરકાર ફરિયાદી બની છે.
અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં આ બનાવ બનતા હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ડો. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી, CEO ચિરાગ રાજપૂત સામે માનવવધનો ગુનો દાખલ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Aslo read: ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ગેરકાયદે કાર્ડિયાક સર્જરી કરતા હો તો સુધરી જજો…
સરકારે શું કહ્યું: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
તપાસ સમિતિની રચના: તેમણે વધુ જણાવ્યું હતુ કે, 12મી નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમિતિની રચના કરાઈ હતી. આ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઈ તે રિપોર્ટ આરોગ્ય વિભાગ સામે રજૂ કર્યો હતો.
Also read: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ મુદ્દે રાજ્ય સરકાર સફાળી જાગી: હોસ્પિટલ PMJAY માટે બ્લેક લિસ્ટ
અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ ઘટના સંદર્ભે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેળા ડૉક્ટર રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહીં. હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી અને અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હોસ્પિટલની પણ PMJAY માન્યતાની ચકાસણી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.