ક્રાઇમ કેપિટલઃ અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં…
અમદાવાદ: શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા મુદ્દે ચિંતા સેવી રહ્યા છે. અમદાવાદમાં હત્યા સહિત ગુનાહિત કિસ્સામાં વધારો થતા તાજેતરમાં સરકાર અને ગૃહ વિભાગની કામગીરી સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યાં છે. આ બાબતની ગંભીર નોંધ લઈને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પોલીસ કમિશ્નર સાથે બેઠક કરી છે. અમદાવાદમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃતિઓને લઈને હર્ષ સંઘવીએ સૂચનો કર્યા છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની માહિતી આ અધિકારીઓ પાસેથી મેળવી હતી.
આ પણ વાંચો : Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં ભૂતકાળમાં સર્જાયો હતો આ કાંડ, દર્દીનું થયું હતું મોત
પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પોલીસ કમિશ્નર સાથે બેઠક કરી છે. પોલીસ સાથેની ગૃહ મંત્રીની આ બેઠકમાં શહેરના તમામ DCP અને JCP કક્ષાના અધિકારીઓ હાજર રહ્યાં હતા. શહેરમાં વધતી જતી ગુનાહિત ઘટનાઓને પગલે હર્ષ સંઘવીએ સૂચનો કર્યા છે તેમ જ શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની માહિતી અધિકારીઓ પાસેથી મેળવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓમાં જે વધારો થઈ રહ્યો છે તેને રોકવા માટે પોલીસ દ્વારા એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે.
પોલીસનું ખાસ આયોજન
આ માટે પોલીસ દ્વારા એક સુરક્ષા એપ બનાવવામાં આવી છે. આ એપમાં દરેક ગુનેગારોની માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેમ જ આ એપને દરેક પોલીસકર્મીઓને ફરજિયાત વાપરવા આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ વરિષ્ઠ નાગરિકોને પણ એપનો ઉપયોગ કરવા આગ્રહ કરવામાં આવ્યો છે તેમ જ ‘શી-ટીમ’ને વૃદ્ધ નાગરિકો સાથે સંપર્ક બનાવી રાખવા આદેશ કરાયો છે. આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ટાસ્ક ફોર્સને લઈ ખાસ ધ્યાન રાખશે અને જરૂર મૂજબ સૂચનો પણ આપશે. જે પોલીસકર્મીને જવાબદારી સોંપવામાં આવે છે તે કોઈપણ બહાને તે કામગીરીમાંથી છટકી શકશે નહી.
આ પણ વાંચો : સરકાર અને પોલીસ ખાતાના આટલા પ્રયત્નો છતાં ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યા છેઃ ભુજમાં ફરી છેતરાયા વેપારી
અમદાવાદ બની રહ્યું છે ‘ક્રાઇમ સિટી’
અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં બનેલા હત્યા અને ચોરી સહિતના ગુનાહિત બનાવોએ અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા. શહીરની કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિએ સામાન્ય લોકોની સુરક્ષા પર પ્રશ્નાર્થ કર્યો છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં જ ચાર લોકોની હત્યાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. એકતરફ અમદાવાદ પોલીસ દ્વારા બધુ સલામત હોવાનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરમાં 10 દિવસમાં પાંચ હત્યાની ઘટનાઓ બની હતી.