સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ફરી લોહી રેડાયું

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે ટ્રક ડ્રાયવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિ દાઝી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લિંમડીના રસ્તાઓ પર અકસ્માત થતા રહે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી-અમદાવાદ હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. જેને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમ અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં આમીન આદમભાઇ આકડા (ઉ.વ.18) અને આદમ મહંમદભાઈ આકડા (ઉ.વ.45 )નું જીવતા સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.