શ્રાવણના અંતિમ દિવસે અમદાવાદ પર મેઘો મહેરબાન: પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી…
અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની વચ્ચે આજે શ્રાવણના અંતિમ દિવસે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોના મંડાણ સાથે વરસાદ પડ્યો હતો. સાંજના સમયે શહેરમાં ઘોર અંધારૂ છવાઈ ગયું હતું અને બાદમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર પડેલા વરસાદથી શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા.
આ પણ વાંચો : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ફરી મેઘરાજા ગુજરાત પધાર્યા, જાણો અપડેટ
આજે સાંજે અમદાવાદના વટવા, મણિનગર, ઇસનપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના નરોડા, સૈજપુર, બોઘા, મેમકો, ગીતામંદિર, પાલડી, વાસણા, આશ્રમ રોડ તેમજ એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ અને ઇનકમ ટેક્સ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો : Somnath મંદિરમાં શ્રાવણના અંતિમ સોમવારે ભકતોની ભીડ, હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર
આ સિવાય બોપલ, સાયન્સ સિટી રોડ, કોર્મસ છ રસ્તા, ગુજરાત, યુનિવર્સિટી, પ્રહલાદ નગર, ઈસ્કોન, પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
આજ સવારથી જ અમદાવાદ શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. કોતરપૂર, સરદારનગર, મણીનગર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે.