અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 46.6 ડીગ્રી તાપમાન, રાજ્યના આ શહેરોમાં પણ આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે, આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આજે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, સાબરકાંઠાના હિંમનતગરમાં 47 ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો છે. શહેરમાં વર્ષ 2016ના મે મહિના પછી સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ગુજરાતનું સૌથી વધારે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષો બાદ આટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અગનભઠ્ઠીમાં શેકાતા અમદાવાદીઓ બહાર નિકળવાનું ટાળી રહ્યા હોવાથી શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે, પરિસ્થિતી એટલી વિકટ છે કે મોડી રાત સુધી બફારો અને ઉકળાટ રહેતા લોકો પરેશાન થયા છે.
અમદાવાદમાં આજે ભીષણ ગરમીના કારણે આખું શહેર શેકાયું છે. શહેરમાં ભારે લૂને કારણે લોકોને બપોરના 12થી સાંજના 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નિકળવા માટે AMC તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ, બાળકો, વૃદ્ધો,અને બીમાર વ્યક્તિઓ ગરમીમાં પોતાને સાચવે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. શહેરમાં આજે રાત્રે 10 વાગ્યે પણ 40 ડિગ્રી તાપમાન હશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

અમદાવાદમાં 46.6 ડિગ્રી સાથે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, ડીસામાં 45.4 ડિગ્રી, વડોદરમાં 45 ડિગ્રી અને નર્મદામાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અંબાજીમાં આજે તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો હતો. છેલ્લાં 5 વર્ષમાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ગરમીને કારણે સ્થાનિકોના જનજીવન પર અસર જોવા મળી હતી. અંબાજીની બજારો અને રોડ સૂમસામ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ જેવી જ સ્થિતી રાજ્યના અન્ય શહેરોની પણ થઈ છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, જૂનાગઢ, કચ્છ, પાટણ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાતા લોકોને હાલત કફોડી બની છે. છેલ્લા એક સપ્તાહથી એકધારી ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે.
જો કે હજુ કેટલાક દિવસો સુધી ભયાનક ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા જણાતી નથી. હવામાન વિભાગ દ્વારા હજૂ પણ આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં, અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને શહેરોનું તાપમાન 46 ડિગ્રી પાર રહેશે.