અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ, AMCએ લોકોને કર્યા સાવધાન
અમદાવાદ: રાજ્યના તમામ ભાગોમાં આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે. આ કાળજાળ ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગની ગુજરાત ઓફિસ દ્વારા પણ અમદાવાદમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પણ બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરી છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે 44 ડિગ્રી (heat wave) રહેવાનું અનુમાન છે, જ્યારે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ તાપમાન 43 ડિગ્રી રહેવાની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી બે દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી વચ્ચે રહેશે. ગરમીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરવું પડ્યું છે. ગરમીના કારણે થનારી બીમારીથી લડવા માટે AMC દ્વારા ચાલતી હોસ્પિટલોમાં દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે, ORSના પેકેટ પણ વધારે જથ્થામાં રખાયા છે. દરેક અર્બન સેન્ટર્સ અને કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર્સ હિટ સંબંધિત ઈમરજન્સીને પહોંચી વળવા સુસજ્જ છે.
હીટવેવની એલર્ટના પગલે AMC તંત્ર એક્શનમાં આવ્યું છે, શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓ.આર.એસ.સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. અતિશય ગરમીથી બચવા AMC તંત્રએ વધુ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને ગ્લુકોઝ પાવડર, છાશ જેવા પ્રવાહીનુ સેવન કરવા, લાંબો સમય તડકામાં ના રહેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળે સમયાંતરે આરામ કરવા તથા નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા, શક્ય હોય તો બહારનું ફૂડ ખાવાનું ટાળવા અને વધારે પડતું તીખું કે તળેલો ખોરાક ના લેવા અપીલ કરી છે.